- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપમાં નવા નિયમ આવતા રાજકારણમાં ગરમાવો
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવેદન બાદ આણંદ જિલ્લા પ્રમુખની પ્રતિક્રિયા આવી સામે
- આણંદ જિલ્લા ભાજપે દાવેદારોની ઉંમર અને સંગઠનની જવાબદારીઓને લઇ શરૂ કર્યો સર્વે
આણંદઃ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશમાંથી મળેલી નવી સૂચનાઓ મુજબ ઉમેદવારોની પસંદગી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે પ્રદેશના નિર્ણયને આવકારતા જણાવ્યું કે, પ્રદેશ પ્રમુખના નિર્ણયથી ઉમેદવારો અને પ્રજામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ નગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પૂર્વ સત્તાધીશો અને પાર્ટીના કાર્યકરો ભાજપ પક્ષને ખૂબ જ વફાદાર છે. પ્રદેશના નિર્ણયને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આવકારી રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ કાર્યકરો પક્ષને વફાદાર રહી ભાજપને વિજય બનાવવા માટે કામ કરશે.
મેન્ડેટ પ્રક્રિયાને લઇ જિલ્લાની 20 થી 25 ટકા બેઠકોમાં જોવા મળી શકે છે ફેરફાર
જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે ઉમેર્યું હતું કે, પ્રદેશ પ્રમુખના આ નિર્ણયથી આણંદ જિલ્લાના ઉમેદવારોમાં 20થી 25 ટકા જેટલો ફેરફાર સામે આવી શકે છે. પ્રદેશમાંથી મળેલી સૂચના મુજબ વય મર્યાદા અને હોદ્દેદારોના ઉમેદવાર સાથેના સંબંધ અંગેના સર્વેની કામગીરી અત્યારે પ્રદેશ મોવડી મંડળ અને જિલ્લા પ્રતિનિધિઓની બેઠકમાં સર્વે હાથ ધરાઇ રહ્યો છે.
તાલુકા તથા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો
આણંદ જિલ્લામાં તાલુકા તથા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આણંદ જિલ્લાની નગરપાલિકાઓ ભાજપે સર કરીને રાખેલી છે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નવા નિર્ણય બાદ નવ યુવાન ઉમેદવારો અને પાર્ટીને વરેલા કાર્યકરોના ચહેરા સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લાના રાજકારણમાં નવા બદલાવો સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.