આણંદ: શહેરના રાજોડપુરા વિસ્તારમાં બ્રિજની પાછળ આવેલા એક કિંમતી મકાન-જમીનના કબ્જાની આશંકાને લઈને રાત્રીના સુમારે માથાકૂટ થતાં કબ્જો જમાવી દેનાર ભરવાડ યુવકો પૈકી એક શખ્સે ચાર જેટલા રાઉન્ડ હવામાં ફાયર કર્યાની ચર્ચાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઈ જવા પામી હતી. જો કે ફાયરીંગમાં કોઈને ઈજા નહીં થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઘટનાસ્થળે તાબડતોબ પહોંચેલી પોલીસ પાંચથી છ જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
ખેતલા આપા ટી સ્ટોલ: રાજોડપુરા બ્રિજની પાછળ આવેલા એક મકાન અને તેની અડીને આવેલી કિંમતી જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી મૂળ મોરબીના પરંતુ થોડા વર્ષો પહેલા વિદ્યાનગર ખાતે ખેતલા આપા ટી સ્ટોલ ધરાવતા અને ફાયરિંગ તેમજ મારામારીના ગુનામાં સંડોવાયેલા મેહુલ ભરવાડ અને તેના સાગરીતોએ કબ્જો જમાવી દીધો છે. જમીન ઉપર આવેલા ત્રણથી ચાર જેટલા મકાનોને જમીનદોસ્ત કરીને નજીકમાં આવેલા મકાનમાં જ આ ભરવાડો કબજો જમાવીને રહેતા હતા. મેહુલ ભરવાડ નજીક આવેલી શૈલેષ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
સ્થાનિકોનું ટોળું: આજે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે રાજોડપુરા વિસ્તારના બે મિત્રો અમન અને વિજય ત્યાંથી પસાર થતા હતા. મેહુલ ભરવાડ સહિત અન્યોએ તેમને રોકીને તમે અહીંયાથી કેમ આવ-જા કરો છો? તેમ જણાવીને બેથી ત્રણ જેટલા લાફા મારી દીધા હતા. લાકડાના ડંડાથી માર માર્યો હતો. જેથી બન્ને યુવાનોએ પોતાના ઘરના તેમજ વિસ્તારના લોકોને જાણ કરતા સ્થાનિકોનું ટોળું ધસી આવ્યું હતું. જેને લઈને બોલાચાલી અને મારામારી થવા પામી જ બન્ને પક્ષોએ સામસામે ભારે પથ્થરમારો ચાલુ કરી દીધો હતો.
ભયનું વાતાવરણ: ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાઈ જવા પામ્યું હતું. દરમિયાન સ્થાનિકોના આક્ષેપ મુજબ મેહુલ ભરવાડના ટોળામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા હવામાં ચારેક રાઉન્ડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જ ડીવાયએસપી જે. એન. પંચાલ, એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, શહેર પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. મકાનના કબજો જમાવીને બેઠેલા પાંચ જેટલા યુવકોને રાઉન્ડ અપ કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
મામલો બિચક્યો: રાજોડપુરા સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખુલ્લી જમીન હોય ત્યાં નજીકમાં જ રહેતા છોકરાઓ ક્રિકેટ મેચ રમવા જતા હતા. જેને લઈને મેહુલ ભરવાડ સહિતના લોકો દ્વારા તેમને રોકીને ગાળાગાળી અને બોલાચાલી કરતા હતા, પરંતુ આજે તેમણે બે યુવાનોને માર મારતાં જ મામલો બિચક્યો હતો. જો કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ મકાન, જમીન સહિત આસપાસના તમામ વિસ્તારમાં તપાસ હાથ ઘરી હતી. ફાયરિંગ થયાની કોઈ સત્તાવાર પુષ્ટિ મળવા પામી ન હોતી. રાઉન્ડ અપ કરાયેલા તમામ યુવકોની શહેર પોલીસ મથકે પુછપરછ કરાઈ રહી છે.
આ પણ વાંચો આણંદમાં નાના ઉદ્યોગો શરૂ કરવા માટે સુવર્ણ તક, 35 % સુધીની સબસિડી મળી શકશે
સ્થિતિનું નિર્માણ: જોડપુરા વિસ્તારમાં રહેતા સ્થાનિક જણાવ્યું હતુ કે, અમારી જમીન-મકાનના કબ્જા સાથે કોઈ લેવા દેવા નથી, જમીન કે મકાન કોનું છે અને આ લોકોએ કેમ કબ્જો કર્યો છે તે અંગે પણ અમોને કંઈ ખબર જ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીંયાથી જતા આવતા છોકરા સાથે તેઓ દરરોજ માથાકૂટ કરતા હતા. આજે તો વાત મારામારી સુધી પહોંચી જવા પામી હતી. જેને લઈને સ્થાનિકો ઉશ્કેરાયા હતા અને ટોળું એકત્ર થઈ જતા પથ્થરમારો થવા પામ્યો હતો. જેથી સામા પક્ષ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જો કે ફાયરીંગની ઘટના શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ જવા પામ્યા હતા. બ્રીજ ઉપર પણ વાહન ચાલકો પોતાના વાહનો લઈને ઉભા થઈ જવા પામ્યા હતા જેને લઈને ટ્રાફિક જામ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતુ.
ફાયરીંગ અંગે તપાસ: ડીવાયએસપી પંચાલના જણાવ્યા અનુસાર સ્થાનિકો દ્વારા ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હથિયાર કે ફુટેલી કારતુસ હજી સુધી મળી નથી. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ કરવામાં આવી હતી, પરંતુ કશું મળ્યું નથી. જેના પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તે મેહુલ ભરવાડના ભાડાના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. પરંતુ ત્યાંથી પણ કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. હાલમાં રાઉન્ડ અપ કરાયેલા શખ્સોની પોલીસ મથકે પુછપરછ કરાઈ રહી છે અને તપાસ બાદ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.