- આણંદ જિલ્લામાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો
- જિલ્લામાં સોમવારે સૌથી વધુ 27 કેસ સામે આવ્યા
- આણંદમાં કુલ 1,721 નોંધાયા
- જિલ્લામાં કુલ એક્ટિવ કેસ - 76
આણંદ : શહેર સહિત જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ખંભાત, બાકરોલ, કરમસદ, ધર્મજ, બોરસદ, જોટોડીયા, મોગરી, અરડી, પેટલાદ, તરપુર અને વાઘશી તથા વિદ્યાનગરમાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1,721 પોઝિટિવ કેસમાંથી સારવાર બાદ 1629 દર્દીઓને સ્વસ્થ થયા છે. જિલ્લામાં હાલમાં 76 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાંથી 71ની તબિયત સ્થિર, 4 ઓકિસજન પર અને 1 વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે.
બે દિવસ અગાઉ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ, આઇસોલેશન જરુરી
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તબીબી સૂત્રોના મતાનુસાર કોઇને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોય તેના બે દિવસ પહેલા તેમના સંપર્કમાં આવેલા તમામની ઓળખ અને આઇસોલેશન જરુરી છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ 7 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું જરુરી છે. જેથી કરીને તેમના પરિવાર કે અન્ય લોકોમાં સંક્રમણ ન ફેલાય.
આણંદમાં સૌથી વધારે કેસ સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ!
દિવાળી દરમિયાન બજારમાં ખરીદી માટે ઉમટેલી ભીડને કારણે કોરોના સંક્રમણમાં વધારો થયો છે. આણંદ જિલ્લામાં આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે.સોમવારે નોંધાયેલા 27 પોઝિટિવ કેસમાંથી 11 દર્દીઓ આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી સામે આવ્યા છે. આ સાથે બોરસદ અને કરમસદમાંથી પણ વધારે કેસ સામે આવી રહ્યા છે. જેથી જિલ્લામાં વસતા નાગરિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
અધિકારીઓ અને આગેવાનો પણ બન્યા કોરોનાના ભરડામાં
આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસ ગૌરાંગ પટેલ સહિત આણંદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાન્તિ પરમાર, આણંદ કલેક્ટર ઓફિસના 4 કર્મચારી સહિત ઉમરેઠ મામલતદાર ઓફિસના કર્મચારી પણ જિલ્લામાં વકરેલા કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ત્યારે જિલ્લામાં વસતા સામાન્ય નાગરિકો માટે સ્વસ્થની ચિંતા કરવી જરૂરી બની ગયું છે.
આણંદ જિલ્લામાં ક્યા કેટલા દર્દી?
હોસ્પિટલ | દર્દી સંખ્યા |
કરમસદ હોસ્પિટલ | 9 |
અપરા હોસ્પિટલ | 2 |
આણંદ સિવિલ | 2 |
ટી-સ્કવેર હોસ્પિટલ | 12 |
કાર્ડિયાક ખંભાત | 1 |
આઇરીશ હોસ્પિટલ | 1 |
હોમ આઇસોલેશન | 45 |
જિલ્લા બહાર | 4 |
કુલ | 75 |