આણંદ: કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આણંદ જિલ્લામાંથી કુલ 1199 પરપ્રાંતિયોને આણંદથી લખનઉ (યુ.પી)ની સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલવામાં આવ્યાં હતાં. આ પરપ્રાંતિય નાગરીકોને સંપૂર્ણ સોસિયલ ડિસ્ટન્સિંગનાં પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી.

લોકડાઉનનાં અમલ બાદ વતન જવા ઇચ્છતાં આણંદ જિલ્લાના અને બહારથી આવીને શેલ્ટર હોમમાં રોકાયેલા પરપ્રાંતિય નાગરીકો માટે સ્પેશ્યલ ટ્રેન દ્વારા પોતાના વતન ઉત્તરપ્રદેશ જવાની વ્યવસ્થા થતાં તેઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતાં.

આણંદ જિલ્લામાંના પરપ્રાંતીય નાગરિકોએ પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવેલી વ્યવસ્થાને સહકાર આપ્યો હતો અને લોક ડાઉનમાંથી બહાર નીકળી વતન જવાનો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો.