- અમિત ચાવડાએ આણંદમાં કોવિડ સ્થિતિની કરી સમીક્ષા
- સિવિલ સર્જન અને કલેકટર સાથે બેઠક યોજીને માહિતી મેળવી
- કોરોના મહામારી 'ગવર્મેન્ટ મેડ ડિઝાસ્ટર' છે: અમિત ચાવડા
આણંદ: રાજ્યમાં કોરોના પરિસ્થિતિ દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. એવામાં આણંદ જિલ્લામાં સારવાર લેતા કોરોના દર્દીઓની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુલાકાત કરી કલેક્ટર અને સિવિલ સર્જન સાથે બેઠક યોજીને મહામારીની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.
જેમને પ્રજાએ વિશ્વાસથી જીતાડ્યા, તેઓ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મજબૂર કરી રહ્યા છે
અમિત ચાવડાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સરકારની અનાવડતના કારણે લોકો મરી રહ્યા છે. આણંદ જિલ્લાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન જેટલા લોકોના મોત થયા છે, તેટલા ફક્ત એક માસમાં થયા છે. રાજ્યમાં 25 વર્ષથી ભાજપ સત્તા પર છે. સવા વર્ષથી WHOની ગાઈડલાઈન હોવા છતાં ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં લોકોને હોસ્પિટલમાં બેડ, ઇન્જેક્શનો, વેન્ટિલેટર અને ઓક્સિજન નથી મળી રહ્યા. સેંકડો લોકો મરી રહ્યા છે. જે સ્પષ્ટ કરી રહ્યું છે કે, એક વર્ષનો સમય મળ્યો હોવા છતાં સરકાર ઉત્સવો, જાહેરાતો કરવામાં અને ચૂંટણીઓ યોજવામાં વ્યસ્ત રહી હતી. જે લોકોને પ્રજાએ ખૂબ વિશ્વાસથી સત્તા સોંપી હતી, તેમણે મહામારીના સમયે પ્રજાની સેવા કરવાના બદલે તેમને ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવા મજબૂર કર્યા છે.
RT-PCR ટેસ્ટની લેબોરેટરીને લઈને લીધો ઉધડો
તેમણે જિલ્લા કક્ષાની વાત કરતા જણાવ્યું હતું કે, આણંદ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં હજુ RT-PCR ટેસ્ટની લેબોરેટરી નથી. લોકોને સેમ્પલ આપ્યા બાદ 3 દિવસ સુધી રિપોર્ટ માટે રાહ જોવી પડે છે. જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં લેબ ચાલુ કરવાની જાહેરાત કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દર્દીને દાખલ કરવા અંગે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, લોકો એમ્બ્યુલન્સને ફોન કરતા હોવા છતાં 8 કલાક સુધી એમ્બ્યુલન્સ આવતી નથી. ખાનગી વાહન લઈને હોસ્પિટલમાં સારવાર મેળવવા પહોંચેલા દર્દીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.
સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ટેસ્ટિંગ અને મોતના આંકડા છુપાવે છે
અમદાવાદમાં શહેર બહારના દર્દીઓને સારવાર ન આપવાના નિર્ણય અંગે અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે, સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ટેસ્ટિંગ અને મોતના આંકડા છુપાવે છે.એક તરફ સ્મશાનોમાં અંતિમ ક્રિયા માટે લોકોની લાઈનો પડી રહી છે, બીજી તરફ સરકાર સબ સલામત હોવાનો દાવો કરી રહી છે. લોકો પોતાના સ્વજનોની આંખો સામે મરી રહ્યા છે. જેની સાથે અમિત ચાવડાએ સરકારને વિનંતી કરી હતી કે, સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવે. બધા જ નિષ્ણાતો અને સેવાભાવી સંસ્થાઓ સરકારની સાથે છે. અમે બધા મહામારીના આ સમયમાં જે કાંઈ પણ કરવાનું થાય તે કરવા તૈયાર છીએ, સરકાર અહંકાર છોડીને માત્ર કામ કરવા પર ધ્યાન આપે.