આણંદઃ અમૂલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની બોર્ડ મેમ્બરો સાથે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે, વર્ષ 2019 અને 2020માં જે લોકોએ દૂધ ભર્યું ન હોય અને બોનસ મળવાપાત્ર હોય, તેવા અંદાજે સાડા પાંચથી છ લાખ જેટલા સભ્યોને અમૂલ દ્વારા વિનામુલ્યે રાશન કીટ આપવામાં આવશે. આ અગાઉ પણ અમૂલ ડેરી દ્વારા ખેડા અને મહીસાગર જિલ્લાની 12 લાખ દૂધ ઉત્પાદન મંડળીઓને માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શનિવાર સાંજના સમયે મળેલી બોર્ડની બેઠકમાં નક્કી થયા પ્રમાણે અમૂલના ચેરમેન રામસિંહ પરમાર, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા અમૂલના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ અને અન્ય બોર્ડ મેમ્બર્સની સર્વ સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રત્યેક કીટમાં 2 કિલો ઘઉંનો લોટ અને 1 કિલો તેલ રાખવામાં આવ્યું છે.
અમૂલના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 4 દિવસોમાં અમૂલના સભાસદોને આ રાશન કીટનું વિતરણ કરવામાં આવશે અને તમામ 1,200 દૂધ ઉત્પાદક મંડળીઓને આ કીટ પહોંચાડવામાં આવશે. જેથી મહામારીની આ બીમારી સામેની લડતમાં પશુપાલકોને આવશ્યક ચીજવસ્તુઓ માટે ચિંતિત થવાની જરૂર ન પડે.