આણંદઃ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD ડૉ. આર.એસ.સોઢીએ ETV Bharatને જણાવ્યું કે સરકારે દૂધના પાવડરની આયાત ન કરવી જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી મોટી માત્રામાં દૂધના પાવડરની આયાત પર પુનઃવિચાર કરવા અપીલ છે. અગાઉ પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને અમોએ અપીલ કરી હતી.
દૂધના પાવડરની આયાત થવાથી ભારતના પશુપાલકોને નુકસાન થવાની સંભાવનાઓ છે, તેમજ ભારતમાં 80,000 ટન મિલ્ક પાવડરનો સ્ટોક છે અને લૉક ડાઉનના કપરા સમયમાં પણ અમૂલ પાસે મિલ્ક પાવડરના જથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી સરકારને અપીલ છે કે મિલ્ક પાવડરની આયાતને રોકે, તેનાથી દેશને ફાયદો થશે.
જો દૂધના પાવડરની દેશમાં આયાત કરવામાં આવશે અને તેના પર જો સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો ભારતના પશુપાલન સાથે સંકળાયેલા લાખો પશુપાલકોને આવનાર સમયમાં મોટું આર્થિક નુકશાન જવાની શક્યતા રહેલી છે. જે પ્રમાણે અત્યારે દેશમાં બનેલ મિલ્ક પાવડરનું 270 રૂપિયા પ્રતિ કિલોની આસપાસના ભાવે તેનું વેચાણ થાય છે.
જો સરકાર tqr મુજબ 15 ટકા રાહતથી પાવડર આયાત કરે તો આયાતી પાવડર 200 રૂપિયા આસપાસ વેચવા બજારમાં ઉપલબ્ધ થશે. જેથી અમૂલ અને તેના જેવા અન્ય અનેક સહકારી માળખાના સઁઘોને તેમના પાવડરની કિંમતીમાં ઘટાડો કરવો પડશે જેની સીધી અસર કાચા દૂધની કિંમત પર જશે અને તેમાં પ્રતિ કિલો ફેટ મોટો ભાવ ધટાડો કરવાની આવશ્યકતા ઉભી થશે. જેથી દેશમાં પશુપાલન સાથે સંકળાયેલા લાખો પશુપાલકોને મોટી આર્થિક ખોટ જશે અને દેશમાં પશુપાલનના વ્યવસાય સામે મોટો ખતરો ઉભો થશે.