વલ્લભવિદ્યાનગરઃ ક્મરતોડ મોંઘવારી વચ્ચે આર્થિક રીતે વધુ માર પડે એવા વાવડ સામે આવી રહ્યા છે. એક બાજુ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે. બીજી તરફ દૂધ જેવી પાયાની ખાદ્ય વસ્તુના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગના કાયદેસર સિસકારા બોલી જાય છે. ખિસ્સા ફાડ મોંઘવારી વચ્ચે અમૂલ બ્રાંડની દૂધની જુદી જુદી કેટેગરીમાં પ્રતિલિટરે રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ PAN Aadhaar Link : આધાર અને પાન કાર્ડ લિંક ચાર્જ રદ કરવાની માગ કરતા વાંસદા ધારાસભ્ય, વિરોધ રેલી યોજી
આજથી ભાવ લાગુઃ આ ભાવ વધારો તારીખ 1 એપ્રિલથી લાગુ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા આણંદ તથા નર્મદા સહિત સમગ્ર રાજ્યમાં આ ભાવ વધારો લાગુ કરાયો છે. ખાદ્યતેલ તથા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગેસ તેમજ શાકભાજીના ભાવ પણ વધી રહ્યા છે. એવામાં દૂધના ભાવ વધારાને કારણે બજેટ દૂધ માટે ફરજિયાત વધારવું પડે એવા દિવસો આવ્યા છે.
કારણ દર્શાવ્યુંઃ ફેડરેશને છ મહિનામાં બે વખત ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારા મામલે ફેડરેશનનું કહેવું છે કે, દૂધ ઉત્પાદનના ખર્ચામાં વધારો, પશુ આહારની કાચી સામગ્રી મોંઘી થવી તથા ઈંઘણના ભાવમાં વધારો થવાને કારણે આ ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે, હકીકત એ પણ છે કે, જ્યારે ડીઝલ કે પેટ્રોલના ભાવમાં ઘટાડો થાય છે અને તે ચોક્કસ સમય પૂરતો મર્યાદિત રહે છે. એ સમયે વધી ગયેલા દૂધના ભાવમાં કોઈ પ્રકારે ઘટાડો થતો નથી.
આ પણ વાંચોઃ Gujarat News: ગુજરાતમાં મોટાપાયે બદલીઓ, 109 IAS અધિકારીઓની બદલીના ઓર્ડર
નવા ભાવઃ અમૂલ ગોલ્ડનો જૂનો ભાવ 31 રૂપિયા હતો. જે વધીને 32 થયો છે. અમૂલ શક્તિનો જૂનો ભાવ 28 રૂપિયા હતો જે વધીને 29 કરાયો છે. અમૂલ બફેલોનો જૂનો ભાવ 32 હતો જે હવે 34 કરવામાં આવ્યો છે. સ્લીમ એન્ડ ટ્રીમ પહેલા 22 રૂપિયામાં મળતું હતું. જે હવેથી 23માં પ્રાપ્ય થશે. અમૂલ ટી સ્પેશ્યલ 29 રૂપિયાનું મળતું જે નવા દર સાથે 30 રૂપિયામાં મળશે.
બ્રાંડના ભાવઃ અમૂલ તાજા 25 રૂપિયામાં મળતું હતું જે હવે 26 રૂપિયામાં મળશે. કાઉ મિલ્ક 26 રૂપિયામાં મળતું જેમાં વધારો થતા તે 27માં મળશે. અમૂલ ચા મઝા 25 રૂપિયામાં મળતું જેમાં ભાવ વધારો થતા 26 રૂપિયામાં મળી રહેશે. એટુ કાઉ મિલ્ક 31 રૂપિયામાં મળતું હતું જે હવે 32 રૂપિયામાં મળશે.