- અમૂલ દ્વારા 16 સંઘ મળીને અંદાજીત 400 કરતા વધારે દૂધની બનાવટો
- અંદાજીત 40થી 50 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર
- આજ સુધી પશુપાલકોને નહિવત આર્થિક ફાયદો
આણંદ : અંદાજીત 75 વર્ષ પહેલાં દેશમાં રોપવામાં આવેલું શ્વેત ક્રાંતિનું બીજ આજે મોટું વટવૃક્ષ બની ગયું છે, આ ક્રાંતિનું મુખ્ય મથક ગુજરાતના આણંદ શહેર બન્યું હતું, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે દૂધ ઉત્પાદન ક્ષેત્રે સહકારી માળખું (cooperative structure) ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યું છે. શ્વેત ક્રાંતિના પાયામાં ત્રિભુવનદાસ પટેલ અને સરદાર પટેલની મહેનત સાથે ડોક્ટર વર્ગીસ કુરિયનના પ્રયત્નો બાદ આજે વિશ્વ સ્તરે સહકારી માળખું અમૂલ બ્રાન્ડ (Amul Dairy) બનીને ઉભરી આવી છે.
અમૂલનું અંદાજીત 40થી 50 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર
GCMMFL ના કર્મચારી પ્રિયંગ ભટ્ટ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, અમૂલ ડેરીના બ્રાન્ડ હેઠળ આજે 16 જેટલા સહકારી સંઘો કાર્યરત છે, જે રાજ્યના કુલ 18 જેટલા જિલ્લામાં સક્રિય છે, તેમાં કુલ 18,555 મંડળીઓના 36 લાખ જેટલા સભાસદો દ્વારા પશુપાલન દ્વારા એકત્ર કરવામાં આવતું દૈનિક 2.50 કરોડ લીટર દૂધ આ મંડળીઓમાં જમા થાય છે. આથી, તેમને દૈનિક અંદાજીત 140 થી 150 કરોડ રૂપિયાના દૂધની ઉત્પાદકોને ચુકવણી કરવામાં આવે છે. આ ઉપરાંત, તેમાંથી બનતી અનેક પ્રોડક્ટનું GCMMFL ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ દ્વારા અમૂલ બ્રાન્ડના નામે વેચાણ અને નિયમન કરી અંદાજીત 40થી 50 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર કરવામાં આવે છે.
GCMMFL દ્વારા કરવામાં આવી રહ્યું છે સંપૂર્ણ નિયંત્રણ
અમૂલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર અમિત વ્યાસે ETV Bharat ને જણાવ્યું હતું કે, શ્વેત ક્રાંતિની ચળવળ અને તેના વિકાસ વિસ્તારમાં પાયામાં રહેલો બૃહદ ખેડા જિલ્લાનો સહકારી સંઘ એટલે કે આણંદ શહેરમાં આવેલી Kaira District Milk Union Limited જે બાદમાં (AMUL) અમૂલ ડેરીના નામે વિશ્વ વિખ્યાત બની છે, આ શરૂઆતમાં 180 થી 200 લીટર દૂધના એકત્રીકરણથી શરૂ થયેલું સહકારી ચળવળમાં આજે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાંથી ૧૨૦૦ જેટલી દૂધ ઉત્પાદક મંડળીઓના અંદાજીત 6 લાખ જેટલા સભાસદો દ્વારા સરેરાશ દૈનિક 36 લાખ કિલોગ્રામ દૂધ અને વાર્ષિક 131 કરોડ કિલોગ્રામ દૂધ ડેરીમાં ભરવામાં આવે છે, જેમાંથી 16 સંઘ મળીને અંદાજીત 400 કરતા વધારે દૂધની બનાવટો અમૂલના નામ સાથે બજારમાં વેચાણ કરવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે, તેનું સંપૂર્ણ નિયંત્રણ GCMMFL દ્વારા કરવામાં આવે છે.
અમૂલ બ્રાન્ડ અને સહકારી માળખું વિશ્વ વિખ્યાત બન્યું
અમિત વ્યાસે વધુમાં ઉમેર્યુ હતું કે, અમુલ ડેરી દ્વારા છેલ્લા સાત દાયકાથી વિવિધ ટેકનોલોજી અપનાવવામાં આવી છે, આ ઉપરાંત આધુનિક પ્લાન્ટ અને લેટેસ્ટ ડિજિટલ ટેકનોલોજી અપનાવવાથી આજે અનેક સ્વાસ્થ્યવર્ધક દૂધ અને દૂધની બનાવટો બજારમાં મુકેલી છે, આથી અમૂલ બ્રાન્ડ અને સહકારી માળખું વિશ્વ વિખ્યાત બન્યું છે. આ સાથે અમૂલ ડેરી આગામી 5 કે 6 વર્ષમાં દુધ સંપાદન ડબલ કરવાનું સ્વપ્ન સેવી રહી છે. આ માટે નિરંતર 2 ટકાથી વધુ મિનરલ મિક્સ ઉમેરી છેલ્લા બે વર્ષથી પશુઓને વધુ ગુણવત્તાયુક્ત પશુઆહાર પહોંચાડવામાં આવે છે, આ ઉપરાંત 1,000થી વધુ મંડળીઓને પશુઓ માટે સેક્સ સીમેન્સ પણ રાહત દરે પહોંચાડે છે, જેથી જિલ્લામાં અનેક કાર્યક્ષેત્રની દૂધ મંડળીઓમાં વાછળીઓ અને પાડીની સંખ્યામાં વધારો થઈ શકે અને ઉચ્ચ ગુણવત્તાવાળી નસલ થકી દૂધ ઉત્પાદનમાં નવી ક્રાંતિ લાવી શકાય.
અમૂલ ડેરીએ નવો વિક્રમ સર્જ્યો
અમૂલ ડેરીએ છેલ્લા સવા વર્ષમાં 662થી વધુ આ પ્રકારના પ્રત્યારોપણ કરી એક નવો જ વિક્રમ સર્જ્યો છે, જેના દ્વારા ત્રણેય જિલ્લામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં ચોક્કસ વધારો થશે, નજીકના ભવિષ્યમાં તમામ મંડળીઓને આ ચળવળમાં આવરી લેવામાં આવશે, જેથી અમૂલ ડેરીના તમામ સભાસદોને તેનો સીધો લાભ મળી શકે અને નજીકના ભવિષ્યમાં તેમના પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં નોંધનીય વધારો થઈ શકે, જે પશુપાલન કરતા પશુપાલકોને આર્થિક સમૃદ્ધ થવામાં મદદરૂપ બની રહેશે. આ બાબત અમૂલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર અમિત વ્યાસે ઉમેરી હતી.
પૂર્વ ડિરેક્ટર તેજસ પટેલની ETV Bharat સાથે વાતચીત
આજે અમૂલ જ્યારે તેના 75 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે, ત્યારે સહકારી દૂધ ઉત્પાદન સંઘ અને તેના વ્યવસ્થાપન વહેવાર અંગે સહકારી માળખું અને દૂધની ઐતિહાસિક સહકારી ચળવળ અંગે જાણકારી મેળવવા માટે વર્ષોથી સહકારી ક્ષેત્ર સાથે સીધી રીતે સંકળાયેલા અમૂલ ડેરીમાં ડિરેક્ટર રહી ચૂકેલા તેજસ પટેલ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચિત કરવામાં આવી હતી.
200 લિટરથી શરૂ થયેલો વ્યવસાય આજે ૭૪ કરોડ લિટર દૂધે પહોંચ્યો
અમૂલના પૂર્વ ડિરેક્ટર તેજસ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, પશુપાલન ક્ષેત્રે આજથી ૭૧ વર્ષ પહેલાં અમૂલની સ્થાપના થઈ હતી. અમૂલની સ્થાપના કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવનદાસ પટેલ અને બીજા ઘણા સહકારી આગેવાનો સાથે રાજકીય નેતાઓએ ભાગ લઈને ખેડૂત પશુપાલનની સાથે સાથે ખેતી અને પશુપાલનની અંદર આર્થિક રીતે કેવી રીતે સમૃદ્ધ થાય તેને ધ્યાને રાખીને રચના કરવામાં આવી હતી. શરૂઆતમાં 200 લિટરથી શરૂ થયેલો વ્યવસાય આજે સમગ્ર ગુજરાતની અંદર ૭૪ કરોડ લિટર દૂધનો વ્યવસાય બની ગયો છે, જે લગભગ 120 કરોડ રૂપિયાનું દૂધ સંપાદન કરી રહ્યો છે. તેની સાથે સાથે પશુપાલનની આર્થિક પરિસ્થિતિનું નિર્માણ પણ સારી રીતે થઈ રહ્યું છે. આ સાથે તેજસ પટેલે જણાવ્યું હતું કે, પશુપાલનની સાથે જોડાયેલા પશુપાલકોની આર્થિક પરિસ્થિતિની અંદર જે સમૃદ્ધિ થવી જોઈએ એ સમૃદ્ધિ જોવા મળતી નથી, પરંતુ દૂધનો વ્યવસાય આજે 40, 50 હજાર કરોડે પહોંચ્યો છે, આ બાબતે થોડા સુધારા અને નિષ્ઠાથી કામ લેવામાં આવે તો ચોક્કસ આ વ્યવસાય 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે તેવું લાગી રહ્યું છે.
પશુપાલકોની આર્થિક સ્થિતિમાં વધુ સુધાર નહીં
તેજસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પશુપાલનની સાથે જોડાયેલા જે પશુપાલકોને પોતાનું જીવન ગુજારવા આર્થિક અનુદાન તો મળી રહ્યું છે, પરંતુ તેની આર્થિક સ્થિતિ વધું સુધરી રહી નથી, આથી તે દિશામાં હવે કામ કરવાની જરૂરિયાત છે. જેમાં પારદર્શક વહીવટ થાય તે બાબત ચોક્કસ દરેક પશુપાલકોના પ્રતિનિધિઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર, પશુપાલન સાથે સંકળાયેલા સંઘ અને નિયામક મંડળના સભ્યોએ નિષ્ઠાપૂર્વક ધ્યાન રાખી પશુપાલકોના હિતમાં નિર્ણય કરવાની જરૂરીયાત જણાઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહકારી એ કરકસરયુક્ત વ્યવસાય છે, આથી જો તેમાં સાચા અર્થમાં સારા નિર્ણયો લેવામાં આવશે, તો ચોક્કસ પશુપાલકોને ફાયદો થશે.
પશુપાલકોની પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર નહીં
આ બાબતે તેજસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલન સાથે લગભગ ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લામાંથી છેલ્લા 5 વર્ષથી 6 લાખ જેટલા પશુપાલકો અમુલ ડેરી સાથે જોડાયેલા છે, જેમાં કુલ ૧૨૦૦ જેટલી દૂધ મંડળીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે. લગભગ ત્રણ સીઝન ચોમાસું શિયાળુ અને ઉનાળુ એમ જુદા જુદા દૂધની માત્રામાં દૂધ જમા થતું હોય છે, સામાન્ય રીતે શિયાળામાં દૂધની આવક વધારે હોવાથી 30થી 32 લાખ લીટર દૂધ સામાન્ય રીતે આવતું હોય છે. જે એકંદરે 27 કરોડના ટર્નઓવર સુધી પહોંચ્યું છે. આ કરોડોના ટર્નઓવર સામે પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધરે તેવી વ્યવસ્થાનું નિર્માણ આજદિન સુધી કરી શક્યા નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે, 30 વર્ષ પહેલા જે પશુપાલકો પાસે જેટલા પશુઓ હતા, તેની સામે હાલ આજે પણ તેની પરિસ્થિતિમાં કોઈ જ ફરક પડ્યો નથી. આજે પણ તેમને લોન લઇને આ વ્યવસાય સાથે જોડાવું પડે છે, આ ઉપરાંત લોનના પૈસા ભરવા તેને ખૂબ ભારે પડી રહ્યા છે.
પશુપાલકને ખૂબ મોટું નુકસાન તેવી ભીતિ
સરકારની અનેક સ્વરોજગાર યોજનાઓનો લાભ હાથ પર લેવામાં આવી રહી હોવા છતા બેંકો તેના જૂના અનુભવોના આધારે આવા પશુપાલકોને ધિરાણ આપતી નથી, આથી આ પશુઓની અંદર બ્રિડેશન પ્રોગ્રામ કરી પશુપાલન વ્યવસાયમાં દૂધનું ઉત્પાદન કેમ વધુ કરી શકાય અને ખર્ચ ઘટાડી શકાય એ દિશામાં દરેક સમયે દરેક નિયામક મંડળના સભ્યોએ ધ્યાન લેવાની જરૂર છે. કારણ કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ લેક્ટેશન ધરાવતી ગાય તે અંદાજે 7000 થી 12,000 લિટર સુધી દૂધ આપતી હોય છે, તેની સામે ભારતમાં સરેરાશ 3 થી 4 હજાર લિટરનું માપદંડ જોવા મળે છે, આથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકને આર્થિક ફાયદો થાય તે દિશામાં જ આપણે તેને બળ નહીં આપીએ તો ભવિષ્યમાં ચોક્કસ પશુપાલકને ખૂબ મોટું નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું હોવાનું તેજસ પટેલે જણાવ્યું હતું છે.
સારું કામ ન કરનારા લોકો સામે ચળવળ કરવી પડશે
દેશમાં સહકારી ક્ષેત્રે ચાલી રહેલા રાજકારણ અંગે જણાવતા તેજસ પટેલે કહ્યું હતું કે, રાજકારણ તો આપણી સંસ્કૃતિનો નિયમ છે. કોઈ પણ આર્થિક રીતે સમૃદ્ધ થાય તેની અંદર સત્તા માટેની ચળવળ ચાલતી હોય છે. કોઈ પણ સંસ્થા તેના બંધારણથી ચાલતી હોય છે, ત્યારે બંધારણની અંદર નિયામક મંડળના લોકો બંધારણથી વિપરીત અસર ના હશે તો ચોક્કસ તેની અંદર જે સૂઝબૂઝથી જે સારા સભાસદો, સારા માણસો ના ટકી રહે તે માટેના સરકારમાં કે કાયદેસરની કાર્યવાહી લોકો કરતાં હોય છે અને આ એક લોકશાહીનું બળ પણ છે કે જ્યારે કોઈ પણ માણસો સારું કામ નથી કરી રહ્યા તેની સામે લોકોએ ચળવળ કરવી પડશે.
પોતાના સગાઓને રાખવામાં આવે છે નોકરીમાં
દૂધનો વ્યવસાય સફેદ દૂધ જેવો હશે તેવુ લોકો બોલી રહ્યા છે, એ બધું ખરેખર સાચું હોતું નથી!! સહકારી સંસ્થામાં સભાસદોથી માંડીને કોઈપણ માણસ એના તમામ હિસાબ જોઈ શકે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ અને તે થશે તો જ આ વ્યવસાય સારી રીતના ચાલી શકશે, બાકી આર્થિક રીતના કેટલા બધા લોકો તેમાં ભાગીદાર હોય છે, આજે જે સભાસદોના નિયામક મંડળમાં પહોંચેલા લોકો પણ પોતાના કોન્ટ્રાક્ટર રાખતા થઇ ગયા છે, પોતાની રીતે ધંધો કરતા થઈ જાય છે, ખરેખર કાયદાની કલમ ૩૨ મુજબ કોઈપણ નિયામક મંડળમાં રહેલો માણસ એ સંસ્થા સાથે આર્થિક રીતના કોઈપણ ભાગીદારીની વસ્તુઓમાં આવી શકતો નથી, તેમ છતાં આજે કેટલાય ડિરેક્ટરના પોતાના શાસન દરમિયાન પોતાના સગા સાથે પોતાના પુત્રો અને પુત્રીઓને આ સંસ્થામાં નોકરીમાં રાખવામાં આવી રહ્યા છે, એ ખરેખર સહકારી સંસ્થા માટે ખૂબ જ ખરાબ છે.
દસ્તાવેજની અંદર લખવામાં આવ્યા હતા નિયમો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ત્રિભુવન કાકા એ જ્યારે આખી સંસ્થાની સ્થાપના કરી, ત્યારે મને સ્પષ્ટ તેની ખબર છે કે દસ્તાવેજની અંદર પણ એવું લખ્યું છે કે "મારી આ મિલકતથી મારા પોતાના પુત્રો આ સંસ્થાની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર ન બની શકે" ત્યારે અમુલ જેવી સંસ્થાઓ ઊભી થઈ રહી છે અને તેનાથી આ ગુજરાત અને વિશ્વની અંદર તેની નામના થઈ રહી છે, ત્યારે ચોક્કસ હું એ માનીશ કે ભવિષ્યમાં આવી સંસ્થાઓમાં જ આજકાલ નિયામક મંડળમાં છે અને જે કામગીરી કરી રહ્યા છે તેમજ નિષ્ઠાથી અને તેના પેટા નિયમથી કે સભાસદોના લાભમાં, હિતમાં નિર્ણય થાય તો ચોક્કસ આ રાજકારણ જેવી વાત આજે થઈ રહી છે, તે ના થાય કારણ કે જ્યારે કોઈ પણ બાબતમાં સભાસદને સહકારના પ્રતિનિધિઓ વતી અન્યાય થશે તેની અંદર આપણો દેશ આઝાદ દેશ છે અને ચળવળોથી ઉત્પન્ન થયેલો દેશ છે, જ્યારે પણ કોઈ પણ સંસ્થાની અંદર કોઈપણ અહિત કાર્ય થશે તેના માટે સભાસદો અને એના પ્રતિનિધિઓ આવી કંઇકને કંઇક વાતો લાવશે.
ડેરીમાં અનેક મુદ્દાઓ પર વિવાદ સર્જાય ગયા છે
આમ, સહકારી આંદોલનની ચળવળ અને ખાનગી દૂધની ડેરીના સંચાલકોના દમન સામે ખેડૂતોને મજબૂત કરવાના ઉદેશ્ય સાથે અંદાજીત 75 વર્ષ પહેલાં નાખવાના આવેલું બીજ આજે અંદાજીત 50 હજાર કરોડનો વ્યવસાય કરતી એક બ્રાન્ડ બનીને વિશ્વમાં પ્રખ્યાત બની છે, પરંતુ આ અગાવ મહાપુરુષો દ્વારા સ્થાપવામાં આવેલી આ સંસ્થા પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે, જેમાં વર્ષ 2017થી 2019 દરમિયાન થયેલું અંદાજીત 400 કરોડના ચીઝનો વિવાદ હોય કે પછી નિયામક મંડળમાં હોવા છતાં પુત્રો-પુત્રીઓને સંસ્થાના બંધારણથી વિપરીત નોકરીએ રાખ્યા હોવાનો વિવાદ હોય કે પછી કોન્ટ્રાક્ટ અને ખરીદીમાં થતા ભાગ બટાવના આક્ષેપો તે તમાંમ વચ્ચે ભારતના શિલ્પી સરદાર પટેલ અને ત્રિભુવદાસ પટેલની સ્થાપેલી સંસ્થા રાજકીય અખાડો ન બની જાય તે ચિંતા સહકારી ક્ષેત્રે સંકળાયેલ લોકોએ વ્યક્ત કરી હતી, આ સાથે જ સભાસદોનું પ્રતિનિધિત્વ કરતા ચહેરાઓમાં રાજકીય કિનાખોરી સાથે સત્તા લાલસાની ભાવનાને કારણે આજે આ 6 લાખ પશુપાલકો થકી ઉભી થયેલી સંસ્થાને કોર્ટના શરણે જવા ફરજ પડી છે, જે અંગે કોઈ ચોક્કસ નિર્ણય આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી તો આવ્યો નથી, પરંતુ સંસ્થાના વિકાસ સાથે પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ વધે તે રીતે વધુ ચોક્કસ નિષ્ઠાવાન વહીવટ થાય અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો સમૃધ્ધ બને તેવી આશા સહકારી ક્ષેત્રે જોડાયેલા લોકો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: