અમદાવાદઃ અમિત ચાવડાએ ગુજરાત સરકાર તથા મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રમુખના 3 કલાકના અમદાવાદના પ્રવાસ માટે 100 કરોડથી વધુનો ખોટો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, જેનાથી સરકારની પ્રાથમિકતા શુ છે તે ટ્રમ્પના કાર્યક્રમથી દેખાઈ રહ્યું છે.
વધુમાં તેમણે રજૂઆતો કરી હતી કે સરકાર દ્વારા અમેરિકી પ્રમુખના 3 કલાકના કાર્યક્રમને માત્ર ઇવેન્ટ તરીકે ન લેવો જોઈએ ગુજરાતના લોકો અમેરિકામાં રહે છે. તેઓને કાયદેસરની નાગરિકતા નથી મળી એના માટે વાત થવી જોઈએ, ગુજરાતમાં યુએસ કોન્સ્યુલેટ ખુલવી જોઈએ. ટ્રમ્પને માત્ર નરેન્દ્ર મોદી જ ગમતા હોય તો મોદીને જ અમેરિકા બોલાવી લેવા જોઈએ. અહીંયા આવીને કરોડોનો ખર્ચ કેમ કરાવે છે. 22 વર્ષ પછી પણ દીવાલો બનાવી વિકાસને છુપાવવામાં આવે છે ?
ટ્રમ્પના આવવાથી ગુજરાત અને દેશને ફાયદો થવો જોઈએ માત્ર રૂપિયાની બરબાદી ન થવી જોઈએ. ગાંધીની ધરતી પર આવનાર ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લે તેવી કોંગ્રેસ વિનંતી કરે છે. ટ્રમ્પનો અમદાવાદનો કાર્યક્રમ માત્ર અમેરિકાની ચૂંટણીમાં મદદ કરવા માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પનો કાર્યક્રમ માત્ર પબ્લીસીટી માટે જ છે ટ્રમ્પને કોણે આમંત્રણ આપ્યું તે જ કોઈને ખબર નથી.