આણંદઃ ડિજિટલ ઇન્ડિયા તરફ દેશ આગળ વધી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા પણ સરકારી કચેરીમાં થતા કામ ડિજિટાઇઝ કરવામાં આવી રહ્યું છે. આણંદની ADIT કોલેજના વિદ્યાર્થીઓ એ એક એવી સિસ્ટમ વિકસાવી છે, જે સરકારને સીધા લાભાર્થી સુધી પહોંચવામાં સરળતા ઉભી કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયા'ને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એમએચઆરડી તેમજ એઆઈસીટીના સંયુક્ત ઉપક્રમે ૧૭ યુનીયન મીનીસ્ટ્રી, ૭૫થી વધુ ઇન્ડસ્ટ્રી અને રાજ્ય સરકારના 300થી વધુ ડિજિટલ પ્રોબ્લેમના સોલ્યુશન માટે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020માં સિક્કિમ ગવર્મેન્ટ દ્વારા મુકવામાં આવેલા પ્રોબ્લેમ માટે ૧૯ સોલ્યુશન એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. જેમાંથી સરકાર દ્વારા પાંચ વિદ્યાર્થીઓને ફાઇનલમાં પસંદગી આપવામાં આવી હતી, જેમાંથી આણંદ સ્થિત CVM યુનિવર્સિટી સંચાલિત ADIT એન્જિનિયરિંગ કોલેજના આઇટી વિભાગના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવી એક ખૂબ જ સુરક્ષિત તેમજ હ્યુમન લેસ ડિજીટલ સિસ્ટમ વિકસાવી, સરકાર તેમજ લાભાર્થીને સીધા સંપર્કમાં લાવી શકાય તે પ્રમાણેની નવીનતમ પદ્ધતિ વિકસાવી હતી.
ADIT કોલેજના 6 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી પંડ્યા કેવિને સમગ્ર પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ETV ભારતને જણાવ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી લોકહિતની યોજનાઓ લાભાર્થી સુધી સીધી રીતના પહોંચી શકે અને લાભાર્થી સરળતાથી આ યોજનાનો લાભ મેળવી શકે તે પ્રમાણેની સરળ પદ્ધતિ આ પ્રોજેક્ટમાં વિકસાવવામાં આવી છે. સામાન્ય રીતે કોઈપણ યોજના જ્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, ત્યારે તેનો લાભ મેળવવા માટે લાભાર્થીને રૂઢિગત પદ્ધતિ માંથી પસાર થવું પડે છે, જે માટે ઘણું બધું પેપર વર્ક અને ઘણી બધી કચેરીઓની ફાઈલ પહોંચાડવાની જરૂર ઊભી થતી હોય છે, પરંતુ ADITના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિ થકી આધારકાર્ડને મોબાઈલ નંબરના ઉપયોગથી લાભાર્થીને કોઈપણ સરકારી યોજનાનો લાભ એક ક્લિકથી મેળવી શકાશે. જેથી સરકાર અને લાભાર્થી આ પ્લેટફોર્મના મદદથી સીધા સંપર્કમાં આવી શકશે. સાથે જ જે પ્રમાણે ગેરરીતિ થતી હોય છે તેને પણ અટકાવી શકાશે.
એક જ યોજનાનો એક કરતાં વધુ વખત લાભાર્થીને લાભ ન મળે તે પણ ચોક્કસ કરી શકાશે. જેથી લાભાર્થીને સરકારી કચેરી અને ફોર્મ માટે મુશ્કેલી નહીં થાય. બીજી તરફ સરકારને પણ સરકારી યોજનાનો લાભ કોને મળી રહ્યો છે, તેની સીધી માહિતી પ્રાપ્ત થઇ શકશે. જે સરકાર અને પ્રજા બંને માટે એક સુખદ સમાધાન સ્વરૂપ સાબિત થઈ શકે છે.
ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત ADIT કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવેલા આ ડિજિટલ સિસ્ટમ તેમના જણાવ્યાં મુજબ ખુબજ સુરક્ષિત છે, સાથે જ આ સિસ્ટમમાં સરકાર લાભાર્થીને કોઈપણ યોજનાનો લાભ સરળ રીતે પહોંચાડી શકે તેમ છે.
સિક્કિમ ગવર્મેન્ટ દ્વારા ADIT કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રોજેક્ટને પ્રથમ પસંદગી કરી એક લાખ રૂપિયા માતબર રકમનું પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે ADIT કોલેજના આચાર્ય વિશાલ સિંહે જણાવ્યું હતું કે, ADIT કોલેજ વિદ્યાર્થીઓને એમ્પ્લોય બનવા માટે નહીં પરંતુ એમ્પ્લોયમેન્ટ ઉભી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જેથી આવનાર વર્ષોમાં વિદ્યાર્થીઓ નાના સ્ટાર્ટઅપ સાથે દેશમાં નવી નોકરી અને રોજગારીની તક ઉભી કરી શકે. સિક્કિમ ગવર્મેન્ટ દ્વારા પસંદગી પામેલા ડિજીટલ સિસ્ટમ માટે આ સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા નવું સ્ટાર્ટઅપ વિદ્યાર્થીઓના હિતમાં ઊભું કરવામાં આવશે. સાથે જ વિશાલ સિંહ દ્વારા વિદ્યાર્થીઓને આ ઉપલબ્ધિ માટે અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.