- 50 લાખના લાંચ પ્રકરણમાં વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર
- પ્રકાશસિંહની એસીબીની ટીમ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી
- લક્ઝરી કારની ફન્ડીંગ, વિદેશમાં ડોલરથી થયેલા ટ્રાન્ઝેક્શન સહિતની તપાસ કરાશે
આણંદ : ખંભાતમાં પકડાયેલા ખાતર કૌભાંડમાં માલિકનું નામ આરોપી તરીકે દાખલ નહીં કરવા માટે માંગેલી 50 લાખની લાંચ લેતાં રંગે હાથે ઝડપાઈ ગયેલા આર.આર. સેલના ASI કમ વહિવટદાર પ્રકાશસિંહ રાઓલને વધુ તપાસ અર્થે આણંદની કોર્ટમાં રજુ કરીને એસીબીની ટીમ દ્વારા ત્રણ દિવસના રીમાન્ડની માંગ કરી હતી. રીમાન્ડ દરમ્યાન નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર 4 દિવસના રીમાન્ડ ઉપર સોંપાયેલા પ્રકાશસિંહની એસીબીની ટીમ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લાં બે દિવસથી તો તપાસનો તખ્તો આણંદથી ખસેડીને અમદાવાદ ખાતે કરી દેવામાં આવ્યો હતો.
આજે રીમાન્ડ પુરા થતાં જ એસીબીની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રકાશસિંહને ફરીથી કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરી હતી. પોલીસે સરકારી વકીલ એ. એસ. જાડેજા મારફતે રજુ કરેલા રીમાન્ડ રીપોર્ટમાં જણાવ્યું હતુ કે, પ્રકાશસિંહ પાસેથી બે આઈફોન મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં વાંધાજનક વોટ્સેપ ચેટીંગ, કોલ ડીટેલ્સ, વિદેશમાં ડોલરના થયેલા ટ્રાન્ઝેક્શન જેવી કેટલીય ચોંકાવનારી વિગતો મળી આવી છે. જેની વિસ્તૃત તપાસ કરવા, પ્રકાશસિંહ પાસેની લક્ઝરી કારનું ફન્ડીંગ કોણે અને કેવી રીતે કર્યું છે તે તપાસવા, બે રેસ્ટોરન્ટમાં તેની સીધી સંડોવણી હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામ્યું છે. તે અંગે વિસ્તૃત તપાસ કરવા, ગુજરાત બહારના રાજ્યોમાં પણ તેની મિલ્કતો હોવા અંગે તપાસ કરવા, તેમજ સાયકોલોજીકલ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવાનું જણાવ્યું હતુ. જજે તમામ બાબતોને ધ્યાનમાં લઈને આગામી 8મી તારીખના રોજ બપોરના ત્રણ કલાક સુધી એટલે કે વધુ ત્રણ દિવસના રીમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રકાશસિંહના કબ્જે લેવાયેલા બન્ને આઈફોનો સવા લાખ-સવા લાખની કિંમતના છે અને તેમાંથી કેટલીક વાંધાજનક વોટ્સએપ ચેટીંગ તેમજ મેસેજો મળી આવ્યા છે. જેને લઈને એસીબી દ્વારા આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન પ્રકાશસિંહ સાથે ઘરોબો ધરાવતા કેટલાક પોલીસ કોન્સ્ટેબલો અને બુટલેગરો ઉપર શીકંજો કસવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.
5-6 વર્ષથી અપ્રમાણસર મિલ્કતોની ચાલે છે તપાસ
પ્રકાશસિંહ રાઓલ વિરૂદ્ઘ પાંચ-છ વર્ષ પહેલા આવક કરતા વધુ મિલ્કતો બાબતે અપ્રમાણસર મિલ્કતોની તપાસ ચાલી રહી છે. નવાઈની વાત તો એ છે કે, 5-6 વર્ષના વહાણાં વહી ગયા હોવા છતાં પણ આ અરજીની હજીયે તપાસ જ ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા અરજીની તપાસ પુર્ણ થઈ જવા પામી છે અને તેમાં આવક કરતાં અપ્રમાણસર મિલ્કતો હોવાનું ઉજાગર થવા પામ્યું છે. તેમ છતાં પણ પ્રકાશસિંહના ગોડફાધર એવા એક પુર્વ આઈપીએસ અધિકારીની દખલગીરીથી આજદિન સુધી અપ્રમાણસર મિલ્કતોનો ગુનો દાખલ થતો નહોતો. હવે પ્રકાશસિંહ 50 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતાં અને આઈપીએસ અધિકારી પણ નિવૃત્ત થઈ જતાં ટુંકમાં જ આ અંગે ગુનો દાખલ કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.
કોલ ડીટેલ્સમાં અનેક રહસ્યો ઉજાગર થશે
50લાખની લાંચમાં પકડાયેલા આરઆર સેલના પ્રકાશસિંહ રાઓલને વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજુર થતાં જ આગામી સમયમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે. એસીબીના નિયામક કેશવકુમારના સીધા માર્ગદર્શન ચાલી રહેલી તપાસમાં પોલીસે પ્રકાશસિંહના બે આઈફોનો કબ્જે કરીને તેની કોલ ડીટેલ્સ કઢાવી છે. જેમાં પ્રકાશસિંહ કોની-કોની સાથે સંપર્કમાં હતો. ફરિયાદી સાથે કેટલી વખત અને ક્યારે-ક્યારે વાતચીતો થઈ છે તે તમામ વિગતો રેકર્ડ પર આવનાર છે.