- વર્ષ 2013 માં બની હતી દુષ્કર્મની ઘટના
- દુષ્કર્મ બાદ સગીરાને મારી નાખવાનો કર્યો હતો પ્રયત્ન
- સગીરાની માતાએ કરી હતી તારાપુર પોલીસ મથકે ફરિયાદ
- પોલીસે આરોપીમાં એક યુવાન અને મહિલાની કરી હતી અટકાયત
- 7 વર્ષ બાદ પરિવારને મળ્યો ન્યાય
- કોર્ટે આરોપીને કરી 10 વર્ષની સખત કેદની સજા
આણંદઃ તારાપુર ખાતે રહેતી એક સગીરાને 7 વર્ષ પહેલા ગળા ઉપર છરી મૂકીને અવાવરું ડેલાવાળા મકાનમાં લઈ જઈને તેણી ઉપર જાતિય અત્યાચાર ગુજાર્યા બાદ ગડદાપાટુનો માર મારીને ઝેરી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ગુનેગાર ઠેરવીને આણંદના સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની સખ્ત સજાનો હુકમ કર્યો હતો. જ્યારે મદદગારી કરનારી મહિલાને શંકાનો લાભ આપીને છોડી મુકી હતી.
સગીરા પર દુષ્કર્મ કરીને તેને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો હતો
આ અંગેની મળતી વિગતો અનુસાર તારાપુર શહેરના ખોડિયાર નગર ખાતે રહેતો વનરાજસિંહ ઉર્ફે ભગો હરિસિંહ ચાવડાએ વર્ષ 2013 માં 16 વર્ષની એક સગીરાને ગળા ઉપર છરી મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવાવરું બંધ ડેલાવાળા મકાનમાં બળજબરીપૂર્વક લઈ ગયો હતો. ત્યાં તેણી ઉપર દુષ્કર્મ ગુજારીને શરીર ઉપર બચકા પણ ભરી લીધા હતા. સગીરાએ વિરોધ કરતાં તેણીને ગડદાપાટુનો માર માર્યો હતો. થોડીવાર બાદ વનરાજસિંહે ખોડિયાર નગરમાં જ રહેતી ગીતા બારોટને ફોન કરીને બોલાવી લીધી હતી અને બન્ને જણાંએ સગીરાને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો હતો. ગીતાબેને તેના પગ પકડી લીધા હતા અને વનરાજસિંહે ઝેરી દવા પીવડાવી હતી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે સગીરાની માતાની ફરિયાદને આધારે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને બન્નેની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કરી હતી.
કોર્ટે 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ 34 હજારનો દંડ ફટકારી સજાનો હુકમ કર્યો
આ કેસ આણંદની સેશન્સ અને સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકીલે દલીલો કરતાં જણાવ્યું હતું કે, ગળા ઉપર છરી મૂકીને સગીરાનું અપહરણ કરી પાશવી રીતે જાતિય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ પોતાના પાપનો ભાંડો ના ફુટે તે માટે સગીરાને ઝેરી દવા પીવડાવીને હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારના કિસ્સાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જઈ રહ્યું છે. જેથી સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા કરવા અપીલ કરી હતી. ન્યાયાધિશ એસ. ડી. પાન્ડેયે વનરાજસિંહ ચાવડાને તકશીરવાર ઠેરવીને કુલ 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ 34 હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો હતો. જ્યારે મદદગારી કરનારી ગીતા પંકજ બારોટને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવી હતી.
કઈ-કઈ કલમમાં કેટલી સજા ફટકારાઈ
- ઈપીકો કલમ 363માં 3 વર્ષની સખ્ત કેદ અને પાંચ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સજા
- કલમ -366માં સાત વર્ષની સખ્ત કેદ અને 10 હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ 6 માસની સાદી કેદ
- પોક્સો એક્ટ-2012ની કલમ 6 મુજબ 10 વર્ષની સખ્ત કેદ અને 5 હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ બે માસની સાદી કેદ
- કલમ -323માં 1 વર્ષની સજા અને એક હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ બે માસની સાદી કેદ
- કલમ -307માં સાત વર્ષની કેદ અને 10 હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ વધુ બે માસની સાદી કેદ
- કલમ -506 (2)માં ત્રણ વર્ષની કેદ અને ત્રણ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ બે માસની સાદી કેદ