- આણંદ સાયબર પોલીસ સ્ટેશને નોંધ્યો ગુનો
- યુવતી સાથે મિત્રતા કેળવી વિશ્વાસઘાત કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
- 22 વર્ષીય યુવતીના નગ્ન ફોટો ખેંચી કરતાં હતાં બ્લેકમેઇલ
આણંદઃ મળતી માહિતી અનુસાર વર્ષ 2019 આસપાસ બોરસદ તાલુકાની એક 22 વર્ષીય યુવતીને કોઇ સંબંધીના લગ્ન પ્રસંગ દરમિયાન દેદરડા ગામે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરી જીવન ગુજરાન ચલાવતા સંદીપકુમાર સાથે મિત્રતા થઈ હતી. જે બાદ બંને અવારનવાર મળતા હતાં. દરમિયાન યુવતીને પૈસાની જરૂર પડતા સંદીપે યુવતીને થોડા પૈસાની મદદ કરી હતી. દરમિયાન યુવતીને અન્ય સાથે સંબંધ બનાવતાં જ સંદીપે તેણીની સાથે ઝઘડો કર્યો હતો અને તાત્કાલિક પોતાના બાકી નીકળતા 25000 રૂપિયા પાછા આપી દેવા માટે દબાણ કર્યું હતું.
કેસની હિસ્ટ્રી
યુવતીએ બીજા દિવસે પૈસા આપી દીધા હતાં અને સંદીપ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. તેમ છતાં પણ સંદીપ અવારનવાર યુવતીને રસ્તામાં જતાં આવતાં હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. દરમિયાન યુવતી આણંદના બસ સ્ટેન્ડમાં બેઠી હતી ત્યારે તેના મોબાઇલમાં અમદાવાદથી વકીલ પ્રદ્યુમ્ન ગોહિલનો ફોન આવ્યો હતો અને તેને નોકરીની લાલચ આપી હતી અને કહ્યું હતું કે "કોઈ પણ કામ પડે તો મને કહેજો" આમ કહી યુવતી સાથે વકીલે પણ મિત્રતા કેળવી હતી બીજી તરફ સંદીપ દ્વારા અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હોવાથી યુવતીએ આ વાતની જાણ પ્રદ્યુમન ગોહિલને ફોન કરી હતી. જેથી કોન્ફરન્સ કોલ દ્વારા સંદીપ અને વકીલપ્રદ્યુમન વચ્ચે વાત કરાવીને સંદીપને યુવતીના બાકી નીકળતા રૂપિયા આપી દેવા કહ્યું હતું, જે પછી વકીલે ફોન પર વાત કરવી સંદીપને રૂપિયા આપી દેવાનું કહેતા જ સંદીપે યુવતીને ફોન કરવાનું બંધ કરી દીધું હતું. થોડા સમય બાદ યુવતીને ફોન કરીને વકીલે તારા વતી સંદીપને રૂપિયા આપી દીધા હોવાનું કહી વકીલે યુવતીને વિશ્વાસમાં લીધી હતી અને હોટેલમાં મળવા બોલાવી હતી અને ત્યાં બળજબરીપૂર્વક યુવતીની સાથે દુષ્કર્મ આચરી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
વકીલે પણ યુવતીનું શોષણ કર્યું
વકીલ દ્વારા તેણીનો વિડીયો પણ ઉતારી લીધો હતો. ત્યારબાદ ફરી યુવતીને ફોન કરી હોટલ પર મળવા આવવાનું જણાવ્યું હતું, જે બાદ યુવતીએ ના પાડતા વકીલે વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. મજબૂરીવશ યુવતી હોટેલ પર જતાં તેણીને વકીલે ખાલી તું તારા કપડાં કાઢી નાંખ તેમ જણાવ્યું હતું ને આનાકાની કરતા વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતાં જબરજસ્તી તેને આ કામ કરવા માટે મજબૂર કરી હતી. જ્યાં વકીલે તેના નગ્ન ફોટા પાડી લીધાં હતાં. દરમિયાન અચાનક હોટલની રુમના બાથરૂમમાંથી સંદીપ બહાર નીકળ્યો હતો અને યુવતીનો વિડીયો ઉતારવા લાગ્યો હતો. જેથી યુવતી કપડાં પહેરી ત્યાંથી નીકળી ગઇ હતી. ત્યારબાદ સંદીપે ફોન કરી યુવતીને નગ્ન ફોટા તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેને પોતાના ઘરે બોલાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
ડોક્ટરને ખબર પડતાં તેણે પણ યુવતી પર દુષ્કર્મ આચર્યું
દરમિયાન યુવતીના બા બીમાર પડતા યુવતી તેમને લઇ ગામમાં આવેલા ડોક્ટર મેહુલ પ્રજાપતિના સરકારી દવાખાને ગઈ હતી અને ત્યાં તેની બાની સારવાર માટે ડોક્ટરના સંપર્કમાં આવી હતી. ડોક્ટર મેહુલ બીજા દિવસે યુવતીના મોબાઈલ ફોન પર મેસેજ કરવા માંડ્યાં હતાં અને ફોન ઉપર વારંવાર આવતા મેસેજને કારણે યુવતીએ ડોક્ટરનો નંબર બ્લોક કરી નાખ્યો હતો, જે બાદ ડોક્ટર મેહુલ બીજા દિવસે અન્ય કોઈ નંબર પરથી યુવતીને whatsapp મેસેજ કરી તેને નગ્ન ફોટા અને વિડિયો હોવાની જાણ કરી યુવતીને દવાખાને મળવા બોલાવી હતી. ગભરાઇ ગયેલી યુવતી હોસ્પિટલ પહોંચતાં જ તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક અડપલાં કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. છેલ્લા એક માસથી આ ત્રાસ વધી જતાં યુવતી આણંદના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા યુવતીની ફરિયાદના આધારે ત્રણેય શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ રીતે ત્રણે આરોપી સંપર્કમાં હતાં
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અમદાવાદ ખાતે રહેતો પ્રદ્યુુમનસિંહ ગોહિલ આણંદની લો કોલેજમાં ભણતો હતો જેની સાથે સંદીપને મિત્રતા થઈ હતી. સંદીપે વકીલને યુવતી પાસે પોતાના પૈસા ફસાયા હોવાની વાત કરી કાનૂની સલાહ લેવા જતાં વાત થઈ હતી અને સંદીપે વકીલને યુવતીનો નંબર આપી તેના નગ્ન ફોટો અને વિડીયો આપ્યાં હતાં. જેથી વકીલે યુવતીને ફોન કરીને નોકરી અને પૈસાની મદદ કરવાની લાલચ આપી તેને ફસાવી યુવતીનું શારીરિક ઉપભોગ કરવાનું શરૂ કરી દીધુ હતું.
કોર્ટે રીમાન્ડ પર સોંપ્યાં
આણંદ સાઇબર ક્રાઈમ પોલીસે બોરસદ તાલુકાના એક ગામની યુવતીના નગ્ન ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપી તેણીને વારંવાર શારીરિક સંબંધો બાંધવા માટે મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓને આણંદ કોર્ટમાં રજૂ કર્યા હતાં. જે સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ માટે કોર્ટે તમામ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડની માગણી કરાતા રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.
ત્રણમાંથી બે આરોપી પરિણીત
સમગ્ર ઘટનામાં ત્રણ આરોપીઓમાંથી સંદીપ કે જે ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે અને અપરિણીત યુવાન છે. જ્યારે અમદાવાદની કોર્ટમાં પ્રેક્ટિસ કરતો પ્રદ્યુુમનસિંહ ગોહિલ વ્યવસાયે વકીલ છે જે પરિણીત છે. જ્યારે ડોક્ટર મેહુલ પ્રજાપતિ કે જે આણંદ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો છે, તે પણ પરણિત છે.
આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં બની દૂષ્કર્મની ઘટના, મંદિરના પાર્ષદે સગીર વયની બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચોઃ અમદાવાદના વસ્ત્રાલમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમોની ધરપકડ