આણંદઃ જિલ્લામાં અતિ આધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ SBI બ્રાન્ચનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આણંદના મુખ્ય માર્ગ ગણાતા અમુલ ડેરી રોડ પર આ બ્રાંચનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્ઘાટનના દિવસે જ સ્થાનિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી પોતાની થાપણો જમા કરાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પહેલા જ દિવસે બેન્કમાં વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સાત કરોડથી વધારેની મૂડી જમા કરાવી નવી શરૂ થયેલી SBI બેન્કને સહકાર આપ્યો હતો. આ ઉદ્ધાટન સમારોહમાં ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથ ઉપસ્થિત રહ્યા હતા, તથા આણંદની અગ્રીમ શિક્ષણ સંસ્થા પી. એમ. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક કરોડની એફડી કરી SBI બેન્કને સહકાર આપવામાં આવ્યો હતો.
SBI બેન્કના ચીફ જનરલ મેનેજર દ્વારા etv ભારતને જણાવવામાં આવ્યું હતું કે, અંદાજિત 45 કરોડ કરતાં વધારે થાપણદારો SBI બેન્ક સાથે જોડાયેલા છે, એટલે કે દેશની જનસંખ્યાના 50 ટકા જેટલા ગ્રાહકો SBI પરિવારમાં સામેલ છે.
આણંદની અમુલ ડેરી રોડ બ્રાન્ચ વિશે જણાવતા દુખબંધુ રથે જણાવ્યું હતું કે, અતિ આધુનિક અને સુવિધાઓથી સજ્જ આ બેન્કમાં ગ્રાહકોને વધુ સારી સર્વિસ અને સંતોષકારક સુવિધાઓ પ્રાપ્ત થઈ રહેશે. ઘણી સારી સુવિધાઓ અને સ્ટાફ ધરાવતી આવેલ આણંદમાં ઉત્તમ સેવાઓ આપશે. તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામ અંતર્ગત મોગરી મુકામે આવેલા અંધ અપંગ મંડળમાં દિવ્યાંગ બાળકોને મળતી સુવિધામાં વધારો કરવા અર્થે SBI પરિવાર દ્વારા 51 હજાર રૂપિયાનું CSR fund સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું હતું, તથા સંસ્થામાં અભ્યાસ કરતા બાળકો માટે શૈક્ષણિક જરૂરિયાતોને પૂર્ણ કરવા જરૂરી ચીજવસ્તુઓ દાન કરવામાં આવી હતી. કથા સંસ્થામાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિના જતન કરવા માટે બાળકોને સંદેશ આપવામાં આવ્યો હતો.