આણંદઃ શહેર પોલીસે ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેતા આણંદના શખ્સને ઝડપી પાડીને કુલ ચાર જેટલા ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન બીજી કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી આણંદ શહેર પોલીસને માહિતી મળી હતી કે, શહેરની ચરોતર બેંકની સામે આવેલી ભાઈલાલ દાદાની ચાલીમાં રહેતા તુષાર અનિલકુમાર કોઠારીએ થોડા સમય પહેલા એક કાકાનું ATM કાર્ડ બદલીને તેમાંથી પૈસા ઉપાડી લીધા છે અને હાલમાં તે તેના ઘરે જ છે. જેથી પોલીસે છાપો મારીને તેને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતાં તેણે કુલ 75 હજાર રૂપિયા ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યુંછે.
જેની અંગજડતી કરતાં રોકડા 6800 એક મોબાઈલ ફોન તેમજ એવીયેટર મળી આવ્યું હતુ. જેથી સાથે કુલ 54800નો મુદ્દામાલ જપ્ત કરીને તેની વધુ પુછપરછ કરતાં તે અગાઉ આ જ પ્રકારના ગુનાઓમાં વડોદરા, વિદ્યાનગર, નડીયાદ વગેરે મળીને કુલ 11 જેટલા ગુનાઓમાં પકડાયો હતો.
શહેર પીઆઈ વાય.આર. ચૌહાણના જણાવ્યા અનુસાર પકડાયેલો તુષારભાઈ કોઠારી એટીએમ સેન્ટરની આસપાસ જ ફરતો હોય છે અને જે કોઈ વ્યક્તિને એટીએમ કાર્ડ ઓપરેટ કરતા ના આવડે તેને મદદ કરવાના બહાને પાસવર્ડ જાણી લઈને ATM કાર્ડ બદલી લઈ બાદમાં ATM દ્વારા પૈસા ઉપાડી લેતો હતો.
વડોદરાની સીટી પોલીસે સને 2017માં તેની પાસા હેઠળ ધરપકડ કરીને કચ્છની ભુજ જેલમાં મોકલી આપ્યો હતો. જો કે પાસામાંથી છુટ્યા બાદ તેણે ફરીથી પોતાનો કસબ અજમાવવાનું ચાલુ કરી દીધું હતુ.