- ગણેશ ચોકડી પાસે થઇ હતી યુવકની હત્યા
- આણંદ પોલીસે બે યુવાનોની કરી અટકાયત
- આરોપી ફરહાન મેમણના ઘરે તપાસ દરમિયાન મળી દેશી બનાવટની બંદૂક
- પોલીસે આર્મ્સ એક્ટ અંતર્ગત કર્યો ગુનો દાખલ
આણંદ: શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલી યમુનાપાર્ક સોસાયટી પાસે બે દિવસ અગાવની રાત્રીના સુમારે બે યુવકોના ઝઘડામાં નિર્દોષ રબારી યુવાનની છરીનો ઘા મારીને કરાયેલી હત્યામાં પકડાયેલા બે પૈકી ફરહાન મેમણના ઘરમાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવતાં ચકચાર મચી છે. આ અંગે શહેર પોલીસે અલગથી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

દેશી બનવાટની પિસ્તોલ મળી આવી
પ્રાપ્ત વિગતો અનુસાર શહેર પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે ફરહાન ઉસ્માનભાઈ મેમણના રોશન પ્લાઝાની બાજુમાં આવેલી જી. કે. દવેની ચાલી સ્થિત રહેણાંક મકાને તલાશી હાથ ધરી હતી. આ દરમિયાન કબાટમાંથી હત્યા સમયે પહેરેલી લોહીથી ખરડાયેલી ફરહાનની ટી- શર્ટ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતાં કબાટમાંથી એક પ્લાસ્ટિક વિંટાળેલી શંકાસ્પદ વસ્તુ મળી આવતાં તેને ખોલીને જોતા અંદરથી દેશી બનવાટની પિસ્તોલ મળી આવી હતી.

પોલીસે 10 હજારની કિંમતની પિસ્તોલ જપ્ત કરી
પિસ્તોલ રાખવા બાબતે ફરહાન પાસે લાયસન્સની માગણી કરતા તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. પોલીસે 10 હજારની કિંમતની પિસ્તોલ જપ્ત કરીને ફરહાનની વધુ પૂછપરછ કરતાં આ પિસ્તોલ છ મહિના પહેલાં હાડગુડ તાબેના જહાંગીરપુરા ખાતે રહેતા મોઈનખાન ઐયુબખાન પઠાણે 8500 રૂપિયામાં વેચાણ આપી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કુવાડવા રોડ પર થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો, બે શખ્સની કરાઈ ધરપકડ