આણંદ: લોકડાઉનના બીજા તબક્કાના અમલીકરણ બાદ ઔદ્યોગિક અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે રાજય સરકારે કેટલીક શરતો સાથે પાલિકા વિસ્તાર સિવાયના ગ્રામ્ય અને GIDCના ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવા તૈયારી દર્શાવી છે. આણંદ જિલ્લામાં પણ આ પ્રકારની મંજૂરી માટે નાના-મોટા 77 એકમો-ફેકટરીએ મંજૂરી માટે અરજી કરી હતી. કલેકટરના અધ્યક્ષસ્થાને નિયુકત કમિટી દ્વારા સરકારની ગાઇડ લાઇન અનુસાર તમામ 77 અરજીઓને મંજૂરી આપી હોવાનું ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસરે જણાવ્યું હતું.
કલેક્ટરના અધ્યક્ષસ્થાને નિયુક્ત કમિટી દ્વારા સરકારની ગાઇડલાઇન અનુસાર તમામ 77 અરજીઓને મંજૂરી આપી હોવાનું ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર એમ.કે.વ્હોરાએ જણાવ્યું હતું. શહેરી વિસ્તારમાં 19 સ્વરોજગારીની અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી.
લોકડાઉનના સમયગાળામાં સ્વરોજગારી મેળવતા પ્લમ્બર, ઇલેકટ્રીશીયન, સુથાર વગેરેને શરતી મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં નિયમોનુસાર આણંદ કલેક્ટર કચેરીમાં આ વ્યક્તિઓએ ઓનલાઇન અરજી કરી હતી.
જેમાં શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી ખાતે ઓનલાઇન 19 અરજીઓ આવી હતી. જેની ચકાસણી કર્યા બાદ તમામ અરજીઓ મંજૂર કરીને જે-તે વ્યક્તિને મંજૂરી પાસ ઇશ્યૂ કરાયા હતા. બીજી તરફ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં એકપણ ઓનલાઇન અરજી આવી ન હોવાનું કચેરી સૂત્રોએ જણાવ્યું હતું. બાંધકામ ક્ષેત્ર માટે 7 ઓનલાઇન અરજીઓને મંજૂરી અપાઇ હતી.
બાંધકામક્ષેત્ર સાથે જોડાયેલા બિલ્ડરો દ્વારા કલેક્ટર ઓફિસે મંજુરી માટે અરજી કરવામાં આવી હતી. જે અનુસંધાને શહેરી વિસ્તાર સિવાય લાંભવેલ, જીટોડિયા, બાકરોલ અને વડોદ મળીને કુલ 7 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.
જે હુકમની નકલ જે-તે મામલતદારને આપીને બાંધકામ ક્ષેત્ર સાથે કામ કરનારા વ્યક્તિઓનું લીસ્ટમાંથી 33 ટકાને મંજૂરી આપવામાં આવશે તથા જે વાહન દ્વારા તેમને લાવવા-મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તે વાહનનો પાસ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇલેકટ્રીનીક અને પ્લમ્બીંગ સાથે જોડાયેલા વ્યકિતઓએ જે-તે મામલતદારને અરજી કરીને પાસ મેળવી લેવાના રહેશે.