અમરેલી: જિલ્લામાં વિંડ પાવર પ્લાન્ટ ધીમે ધીમે વધી રહ્યા છે. ખાસ કરીને બાબરા અને લાઠી પંથકમાં સૌથી વધુ વિન્ડ પાવર પ્લાન્ટ કાર્યરત છે અને સેંકડો વિંડ પાવર ઉભા થઈ રહ્યા છે. પરંતુ આ પવનચક્કીના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. સમગ્ર ઘટનામાં ખેડૂતોને પ્રોજેક્ટથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લાઠી બાબરા પંથકમાં વિરોધનું વંટોળ ઉઠ્યો હતો.
શું છે મુદ્દો: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા, નિલવડા તેમજ હરસુરપુર અને પુજાપાદર સહિતના ગામોમાં વિન્ડ પાવર પ્લાન્ટ કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં ગેરકાયદે રસ્તાઓ કાઢવામાં આવે છે. ગૌચરની જમીનમાં અને નદીના પટમાં પણ વીજપોલ ઉભા કરી દેવામાં આવે છે. જેના કારણે આગામી દિવસોમાં ખેડૂતો માટે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
ખેડૂતો દ્વારા આક્ષેપ: મહાકાય કંપનીઓ દ્વારા સરકારી નિયમો નેવે મુકીને કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો સાથે કંપનીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. ખોટી પોલીસ ફરિયાદ કરીને ખેડૂતોને દબાવવામાં આવતા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે.
ખેડૂતો દ્વારા ન્યાયની માંગ: આ મુદ્દે આજે બહોળી સંખ્યામાં પીડિત ખેડૂતોએ એકઠા થઈ રેલી કાઢી હતી અને ભારે સુત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. સાથે જ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે આગામી દિવસોમાં ખેડૂતોનો અવાજ સરકાર નહી સાંભળે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે.