- રાજુલામાં ફાટકમાં એમ્બ્યુલન્સ ફસાતા દર્દીનું મોત
- ફાટક 25 મિનિટ બંધ રહેતા થયું મોત
- સમસ્યાનું સમયસર નિવારણ લાવવા ઉગ્ર માગ ઉઠી
અમરેલી: ફાટક બંધ રહેવાથી દર્દીનું મોત થયું હોવાના બનાવે ચારે બાજુ ચકચાર મચાવી છે. અમરેલીના રાજુલા તાલુકાના દેવકા ગામે છકડો રીક્ષા પલટી જતા રીક્ષા સવાર 6 વ્યક્તિને અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં હડમતીયા ગામના જોધાભાઈ ઓઘડભાઈ રાઠોડ (ઉ.વ. 55)ની ગંભીર હાલત જણાતાં 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે 25 મિનિટ સુધી ફાટક બંધ રહેતા દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત થયું હતુ.
આ પણ વાંચો: છત્તીસગઢ : ટ્રેનમાં કપાઇને માતા અને 5 પુત્રીઓની મોત
સમયસર સારવારના મળવાના કારણે હડમતીયાના જોધભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત નીપજ્યુ
રાજુલા ડુંગર રોડ પર આવેલું રેલ્વે ફાટક બંધ હોવાનાં કારણે 25 મિનિટ સુધી રેલવેના કર્મચારીઓ દ્વારા માલગાડી પસારના થાય ત્યાં સુધી રેલવે ફાટક બંધ રાખવામાં આવ્યું હતું. નજીકના ગામનાં આગેવાનો દ્વારા સતત વિનંતીઓ કરવા છતાં પણ રેલવેના કર્મચારીઓએ કોઈપણની વાત સાંભળી ન હતી. જેનાં કારણે સમયસર સારવારના મળવાના કારણે હડમતીયાના જોધભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. ત્યાંના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે, આ રેલવેના જવાબદાર કર્મચારીઓ પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને એમ્બ્યુલન્સને સમયસર ફાટક ખોલવા માટે આદેશ આપવા જોઈએ. તેમજ પીપાવાવ પોર્ટની સેંકડો માલગાડી અહિયાંથી દૈનિક પસાર થાય છે તેના લીધે વારંવાર 20-30 મિનિટ સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. જેનાં કારણે લોકો ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચી નથી શકતા. આથી તંત્ર દ્વારા વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે જેથી લોકો સમસ્યાના શિકાર થતા અટકે. આ સમસ્યાનું સમયસર નિવારણ લાવવા ઉગ્ર માગ ઉઠી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ટ્રેન દુર્ધટના: 30ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત