અમરેલી: બિપોર જોય સાયકલોનના કારણે દરિયા દેવ જાણે કે કોપાયમાન થયા છે.સમગ્ર ગુજરાત ના જીવ તાળવે ચોંટ્યો છે. આવા સમયે હવે પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે. ધારાસભ્ય હીરા સોલંકી માછીમાર આગેવાનો સાથે દરિયા દેવ શાંત થવા માટે વિધિવત પૂજા કરી હતી. ભયાનક ઘૂઘવતો સમુદ્રની સામે ઉભા રહીને હીરા સોલંકીએ સમુદ્રમાં શ્રીફળ અને દુધ ચડાવી સમુદ્ર દેવને શાંત થવા માટે વિનંતી કરી હતી.
20 ફૂટ ઉંચા મોજા: અમરેલી જિલ્લાના સમુદ્રમાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સમુદ્ર ગાંડોતૂર થયો છે. જાફરાબાદ કિનારે 20- 20 ફૂટ ઉંચા મોજા ઉછળતા ડરામણો માહોલ સર્જાયો છે. ત્યારે આજ રોજ દરિયાઈ કિનારા પર પણ હાલ જ ત્રણ નંબરનું સિગ્નલ કરવામાં આવેલ જો કે દરિયામાં હજુ કરંટ અને દરિયા કિનારે વસતા લોકોની મુશ્કેલી વધશે તેવું પણ લાગી રહ્યું છે.
માછીમાર આગેવાનો સાથે ચર્ચા: હાલની હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડું સીધેસીધું અમરેલી જિલ્લાના તટ પર ટકરાય તેવી શકયતા નથી. છતા પણ વાવાઝોડુ ગમે ત્યારે દિશા બદલે અને તેની વ્યાપક અસર અમરેલી જિલ્લામા જોવા મળે તો તે અસરને ખાળવા તંત્ર દ્વારા શેલ્ટર હોમ પણ તૈયાર કરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લા પોલીસ વડા આજે જાફરાબાદ ખાતે દોડી ગયા હતા અને માછીમાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
પોલીસ બંદોબસ્ત: દરિયાકાંઠા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેથી માછીમારો કે અન્ય લોકો દરિયાકાંઠે ન જાય. લોકોને દરિયાકાંઠે ન જવા સતત સૂચનાઓ પણ આપવામા આવી રહી શિયાળબેટ અરબી સમુદ્રની વચ્ચે આવેલ હોય ગઈ કાલથી જ અહી બોટ મારફત અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. એટલુ જ નહી એ પુર્વે શિયાળબેટમાં અનાજનો પુરતો પુરવઠો પણ જળવાઇ રહે તેની તકેદારી લેવાઇ હતી. તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં 9 ગામો આવેલા છે. સરપંચ સહિતના આગેવાનો સાથે તકેદારીના પગલા અંગે તંત્ર દ્વારા સંવાદ કર્યો હતો. અહી લાઈફ જેકેટ અને ડિઝાસ્ટરને લગતા અન્ય સાધનો હાથવગા રખાયા છે.