અમરેલીઃ જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા પોતાની ચેમ્બરને નજીકમાં જ કોરોનાગ્રસ્ત દર્દીઓની દેખરેખ માટે એક મોનીટરીંગ સેલ ઉભો કરવામાં આવ્યો છે. આ સેલ દ્વારા અમરેલીની કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને હોસ્પિટલમાં રાખેલા કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. તેમજ સ્વચ્છતા, સેનિટાઇઝેશન અને અન્ય સુવિધા અંગે સંભાળ મેળવવામાં આવે છે.
આ અંગે વધુ વાત કરતા જિલ્લા કલેક્ટર આયુષ ઓક જણાવે છે કે, રાધિકા હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવેલા અંદાજે 50 જેટલા CCTV કેમેરાના દ્રશ્યો બાજુના રૂમમાં પ્રોજેક્ટર દ્વારા મોટી સ્ક્રીન ઉપર જોવામાં આવે છે અને એકે-એક વોર્ડ/ બેડ પર દેખરેખ રાખવામાં આવે છે.
દરેક વોર્ડ/ બેડના દર્દીના ફોન નંબરની યાદી પણ મેળવવામાં આવી છે. જો કોઈ દર્દી માસ્ક વગર દેખાય કે, કોઈ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બેદરકારી રાખવામાં આવે કે સાફ-સફાઈ/ સેનિટાઇઝેશન કરવામાં ઉણપ જણાય તો તાત્કાલિક જે તે સ્ટાફ મિત્રને કે દર્દીને તાત્કાલિક ફોન કરી જણાવવામાં આવે છે. આ ઉપરાંત મોનીટરીંગ સેલની સાથે જિલ્લાના સાવરકુંડલા અને રાજુલાની કોવિડ હોસ્પિટલને પણ જોડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા નિયમોનું ચુસ્તપણે પાલન થાયએ અતિઆવશ્યક છે. આજના ડિજિટલ યુગમાં હોસ્પિટલમાં CCTV કેમેરાની સાથે સાથે મોટાભાગના વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન હોવાથી આવી રીતે દેખરેખ રાખવું સરળ રહે છે. આમ વહીવટીતંત્રએ CCTV અને સ્માર્ટફોનના હથિયારને પોતાનું ત્રીજું નેત્ર બનાવ્યું છે. આ નેત્ર તમામ લોકો પર ચાંપતી નજર રાખશે.