અમરેલી શહેરના લોકોના શરીર સુદ્રઢ રહે તે માટે અમરેલી નગરપાલિકા દ્વારા દોઢ કરોડના ખર્ચે મેગાસીટીમાં જોવા મળતા આધુનિક જીમનું લોકાર્પણ ઉદ્ધાટન નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને સાંસદ નારણ કાછડીયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું.લોકસભાની ચૂંટણીમાં સામસામે લડેલા ભાજપ કોંગ્રેસના મહારથીઓ ચૂંટણી પરિણામ બાદ પ્રથમવાર એકસાથે જોવા મળ્યા હતા.
અમરેલી પાલિકાના ઉદ્ધાટન પ્રસંગમાં બન્ને નેતાઓ સાથે એકમંચ પર હોવાનો આ પ્રથમ પ્રસંગ હતો. દોઢ કરોડના ખર્ચે જીમ અને 60 લાખના ખર્ચે ટેનીસકોટ બનાવીને પાલિકાની વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીત્રા ભાજપ કોંગ્રેસના બન્ને નેતાઓને એકમંચ પર લાવ્યા હતા.બને બાજુ બાજુમાં બેસેલા હોવા છતાં ઔપચારિક વાત કર્યા સિવાય એકબીજા તરફ જોતા પણ ન હતા.
સિનિયર સીટીઝન પાર્ક બાદ 75 વર્ષ જૂની આ અખાડાની જગ્યામાં આધુનિક જીમ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 25 લાખની સાંસદ કાછડીયાની ગ્રાન્ટ સાથે નેતા વિપક્ષ ધાનાણીની ગ્રાન્ટમાંથી લેડીઝ જેન્ટસ માટે જીમનેશિયમ બનાવ્યું છે.અમરેલી વાસીઓના સ્વાસ્થ્ય માટે તૈયાર થયેલા જીમ અંગે ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન ડો.જીવરાજ મહેતાના સ્વપ્નને સાકાર કરવાના અભિગમને આગળ ધપાવવાના સહિયારા પ્રયાસથી સફળ થયો છે. જ્યારે શહેરના વિકાસ રાષ્ટ્રના વિકાસ માટે ભાજપ-કોંગ્રેસના બને નેતાઓ એકમંચ પર આવ્યા હોવાનું નેતા વિપક્ષ ધાનાણીએ જણાવ્યું હતું.