અમરેલીના બગસરા તાલુકામાં આવેલા જેઠીયાવદર ગામના રહેવાસી ભીખાભાઈએ વરસાદના પાણીને કઈ રીતે ઉપયોગમાં લેવું તેનો વિકલ્પ પોતાની કોઠાસૂઝથી શોધી કાઢ્યો છે. દર ચોમાસામાં જેઠીયાવદર ગામના ભીખાભાઈના ખેતરો વરસાદના પાણીથી ભરાઈ જતા અને પોતાના પાકને મોટું નુકસાન થતું હતું. પરંતુ ભીખાભાઈએ પોતાની કોઠાસૂઝથી પોતાના ખેતરની આસપાસ જે વરસાદી પાણી ભરાતા હતા તે જગ્યાએ JCBથી ખોદકામ કરીને નહેર જેવું બનાવ્યું છે.
ત્યારબાદ 15થી 20 ફૂટ એક મોટો પાઇપ કૂવામાં નાખવામાં આવ્યો છે. જેને કારણે ખેતર બહાર વરસાદના પાણીનો જે ભરાવો થાય છે, તે પાણી કૂવામાં આવે છે. આ કુવો 80 ફૂટથી વધારે ઉંડો છે. જે વરસાદ પહેલા ખાલી હતો, ત્યારે હાલ કૂવામાં 20 ફૂટ જેટલું વરસાદનું પાણી ભરેલું છે. આમ ભીખાભાઈની મહેનત રંગ લાવી અને તેમનો કૂવો પણ રિચાર્જ થઈ ગયો.
આ ઉપરાંત કૂવો રિચાર્જ થતાં જ ભીખાભાઈના ખેતરની આસપાસ આવેલા ત્રણ કૂવામાં પણ પાણી આવવા લાગ્યું છે. આગામી દિવસોમાં આસપાસના ખેડૂતો પણ કૂવો રિચાર્જ કરવાનું વિચારી રહ્યાં છે. હાલમાં વરસાદી પાણી દ્વારા કૂવો રિચાર્જ થતા કપાસ અને મગફળીના પાકને પણ પિયત માટે પાણી મળી રહ્યું છે. ખેતરમાં પાણીની સમસ્યા કૂવા રિચાર્જ કરવાથી દૂર થઈ છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.