અમરેલી: ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા અમરેલી જિલ્લામાં આજે અનોખી રીતે "સંપર્કથી સમર્થન" કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા બાઈક રેલી યોજવામાં આવે છે પરંતુ અમરેલી જિલ્લામાં "બોટ રેલી" દ્વારા રેલી કરવામાં આવી હતી. જેમાં 20 બોટો દ્વારા ભાજપના યુવા કરાય કરો મળીને રેલી કાઢવામાં આવી હતી. સાગરખેડૂ હોવાના કારણે લોકોની વચ્ચે જઈ પોતાના દરિયાઈ પટ્ટીને મહત્વ આપી સાગર સાથે જોડાયેલા લોકો વચ્ચે જઈને કાર્યક્રમમાં જોડાયા હતા.
'સંપર્કથી સમર્થન' કાર્યક્રમ: ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજી "સંપર્કથી સમર્થન" કાર્યક્રમ યોજવામાં આવે છે. અમરેલી જિલ્લામાં આ યાત્રા અનોખી રીતે યોજવામાં આવી હતી. જિલ્લા યુવા મોરચા દ્વારા પીપાવાવ પોર્ટથી દરીયાઇ ટાપુ શિયાળબેટ સુધી 'બોટ રેલી'નુ આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ત્રીસ જેટલી બોટમાં યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ અને જીલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળની આગેવાનીમાં સેંકડો યુવા કાર્યકરો બોટ પર સવાર થઈને શિયાળબેટ પહોંચ્યા હતા.
'ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામગીરી છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે બોટ યાત્રા દ્વારા દરિયાઈ ટાપુ પર વસવાટ કરતા લોકોનો સંપર્ક કરવાનો આ એક પ્રયાસ છે.' -પ્રશાંત કોરાટ, યુવા પ્રદેશ પ્રમુખ, ભાજપ
બોટ યાત્રાનુ આયોજન: અમરેલી જીલ્લામાં રાજકીય રીતે અનોખા કાર્યક્રમો કરવાની પરંપરા રહી છે. આજે પણ યુવા ભાજપ દ્વારા બાઈક રેલીના બદલે બોટ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળે જણાવ્યું હતું કે અમે દરિયા કિનારે વસતા સાગરખેડુ છીએ અને બોટ એ અમારૂ પ્રતિક છે. આજે જ્યારે દરિયાઈ ટાપુ પર વસતા દરીયા છોરુંને ભાજપના યુવાઓ બોટ મારફતે જઈ રહ્યા છે તે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.