અમરેલી : રાજુલાના ઉંચેયા પીપાવાવ રેલવે ટ્રેક પર 4 સિંહો ટ્રેનની અડફેટે આવ્યાં હતા. જેમાં એક સિંહનું મોત થયું હતું. સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જ ગુડ્સ ટ્રેન પસાર થતા રેલવે સેવકો દ્વારા રેલવેના લોકો પાટલોટને ટોર્ચ લાઈટ મારી જાણ કરવામાં આવી હતી, જેને પગલે પાયલોટ દ્વારા ઇમરજન્સી બ્રેક મારવામાં આવી હતી. ત્યારે 2 સિંહ સલામત રીતે બચી ગયા હતા. જ્યારે એક નર સિંહનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું
ઇજાગ્રસ્ત સિંહને જૂનાગઢ ઝૂ ખસેડાયો : સિંહ સાથેના ટ્રેન અકસ્માતમાં આ બનાવમાં અન્ય એક સિંહ ઇજાગ્રસ્ત થતા જૂનાગઢ ઝૂ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ તમામ સિંહોની વય 1 થી 3 વર્ષની અંદાજવામાં આવી હતી.
ગુડ્સ ટ્રેન 24 કલાક દોડતી હોય છે : સાવરકુંડલા- રાજુલા-પીપાવાવ પોર્ટ સુધી ગુડ્સ ટ્રેન 24 કલાક દોડતી હોય છે અને આવા સમયે સિંહો ટ્રેક ઉપર આવી જવાના કારણે અકસ્માત સર્જાય છે. ભૂતકાળમાં 10થી વધુ સિંહોના ટ્રેન અડફેટે મોત થઈ ચુક્યા છે. ત્યારે આજે વધુ એક વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક સિંહનું મોત થયું છે.
એક સિંહ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે. 4 વન્યપ્રાણી હતાં જેમાં 2 ને રેલવે સેવકોએ બચાવી લીધા હતાં. ઈમરજન્સી બ્રેક મારવામાં આવતાં 2નો બચાવ થયો હતો. જ્યારે એકનું મોત થયું છે અને એક સિંહ ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ અમારી ટીમ તપાસ કરી રહી છે...યોગરાજસિંહ રાઠોડ( રાજુલા રેન્જ આરએફઓ)
અમરેલી વનવિભાગે તપાસ શરૂ કરી : આ ઘટના બાદ વનવિભાગના ડીસીએફ જયન પટેલ, રાજૂલા રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ સહિત વનવિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો સિંહો કયા વિસ્તારમાંથી રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતાં તેને લઈ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.