અમરેલી : ગુજરાત હાઇકોર્ટે અમરેલી જિલ્લામાં ઇકો ઝોનમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નદીમાં ભૂતકાળમાં અપાયેલી તમામ લીઝ રદ કરી દેવામાં આવી છે. પરંતુ કોર્ટના આ હુકમથી ભ્રષ્ટ તંત્ર અને રેત માફિયાઓને જાણે મજા પડી ગઇ છે. ભૂતકાળમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો રેત ચોરીનો ધંધો અહીં દિવસરાત ધમધમતો જોવા મળી રહ્યો છે. જેને લઇને વધુ એકવાર પૂર્વ સરંપચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
નદીની રેતીની ધૂમ ચોરી : ખાણ ખનીજ વિભાગ અને પોલીસની મીઠી નજર તળે શેત્રુંજી નદીના પટમાં જાણે ઉઝરડી નાખવામાં આવ્યો છે. લીલીયા તાલુકામાં પસાર થતી શેત્રુંજી નદીમાં હાલ ઇકો ઝોન હોવાના કારણે નદીમાંથી રેતી ઉપાડવાનો પ્રતિબંધ છે. તેમ છતાં અમારા ગામ ભેંસવડી શેત્રુંજી નદીમાં રેતી ચોરી થાય છે અને તે અંગેની તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓને તા.23/06/23ના રોજ પત્ર પાઠવી રજૂઆત કરેલ ત્યારે થોડાક દિવસ રેતી ચોરી બંધ થયેલો પરંતુ હાલમાં ફરી પુનઃ રેતી ચોરી નદીમાં થવા લાગી છે.
ભેંસવડી ગામે આખી રાત્રે રેતી ચોરી થાય છે જેમાં તંત્રના આશીર્વાદથી ચાલે છે અને નદીમાં સિંહનો વસવાટ ખુબ મોટો છે તેને નડતરરૂપ થાય તેમ છતાં પણ આ ખનીજ માફીયા કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરે છે તે પણ સરકારના રોયલ્ટી પાસ વગર અને આ કરોડો રૂપિયાની ચોરી થાય છે...દકુભાઇ બુટાણી ( પૂર્વ સરપંચ ભેંસવડી)
જનતા રેડની ચીમકી : તેમણે વધુમાં કહ્યું કે હાલ લીલીયા તાલુકાના બધા રોડ પર આ વાહનો ચાલી રહ્યાં છે. આ વાહનોમાં નંબર વગરના ટ્રકો અને ટ્રેક્ટરો હોય છે અને ડ્રાઇવર પણ સગીર વયના હોય છે. જે બેફામ વાહન રોડે ચલાવે છે અને આ વાહનો કોઇ નિયમોના પાલન કરતા નથી. તેમજ અંતમાં તંત્ર અને સરકારને ચીમકી પણ ઉચ્ચારી છે કે આમ છતાં તંત્ર દ્વારા દિન 15 કોઇ કાર્યવાહી નહી કરે તો ગામ લોકોને સાથે રાખીને નદીમાં જનતા રેડ અને કચેરીઓમાં ઘેરાવો કરવામાં આવશે તેમજ પૂર્વ અમરેલી એસપી નિર્લિપ્ત રાયની કામગીરી બિરદાવી હતી.