- મહેસાણાથી શરૂ થયેલું રાજકારણ પહોંચ્યું અમરેલી સુધી
- મંથરા અને વિભીષણ અંગે નીતિન પટેલ ખુલાસો કરેઃ સાંસદ નારણ કાછડીયા
- નીતિન પટેલની અણઆવડતને કારણે સૌની યોજનાનો પૂર્ણ લાભ સૌરાષ્ટ્રને હજુ સુધી મળ્યો નથી
અમરેલીઃ મહેસાણાથી શરૂ થયેલું રાજકારણ આજે અમરેલી સુધી પહોંચી ગયું છે જે આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓ સુધી વિસ્તરી શકે છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણામાં જાહેરમાં કરેલું નિવેદન કેટલાક નેતાઓને ખળભળાવી રહ્યું છે. થોડા દિવસ પૂર્વે નીતિન પટેલ મહેસાણાની જાહેર સભામાં રામાયણ હોય ત્યાં મંથરા અને વિભીષણ હોય એવી ટકોર કરી હતી. આ નિવેદનને લઈને અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા ખુલીને સામે આવ્યાં છે અને તેમણે પડકાર ફેંકતાં જણાવ્યું છે કે, નીતિનભાઈ સ્પષ્ટીકરણ સાથે બહાર આવે કે રામાયણના મંથરા અને વિભીષણ કોણ છે?
નીતિન પટેલ અમારા સિનિયર હતાં, છે અને રહેવાના, માત્ર ખુલાસો કરે મંથરા અને વિભીષણ કોણ?
નીતિન પટેલેે રામાયણના પાત્રોને ટાંકીને જે રાજકીય કોમેન્ટ કરી તેને લઈને હવે ભાજપમાં મહાભારત જોવા મળી રહી છે. નારણ કાછડિયા અને નીતિન પટેલ બન્ને ભાજપના વરિષ્ઠ આગેવાનો છે. નીતિન પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે તો નારણ કાછડિયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. એવામાં નારણ કાછડિયાએ નીતિન પટેલને ફેંકેલો પડકાર ભાજપના આંતરિક રાજકારણમાં નવો ફણગો ફોડી શકે છે.
સૌની યોજના નીતિન પટેલના કારણે સૌરાષ્ટ્રમાં પૂર્વવત થઇ નથી
નીતિન પટેલને આડેહાથ લેતાં કાછડીયાએ બળતામાં ઘી હોમતાં એમ પણ કહ્યું કે અમરેલી સાવરકુંડલા બાયપાસ માર્ગ છે તે કેટલાય વર્ષથી અટકી પડ્યો છે તે નીતિન પટેલની ઢીલી નીતિને કારણે છે. જે કારણે અમરેલીના લોકોને ભોગવવાનો સમય આવ્યો છે. વધુમાં જણાવ્યું કે સૌની યોજનાનો પૂરો લાભ સૌરાષ્ટ્રને હજુ સુધી મળ્યો નથી તેની પાછળ પણ નીતિન પટેલની ઢીલી નીતિ કારણરુપ છે. જે યોજના અંદાજિત ખર્ચમાં પૂર્ણ થવાની હતી તે યોજના આજે કરોડોના વધુ ભારણ સાથે પણ પૂર્વવત્ બની નથી.
સંઘાણી અને રુપાલાનું મૌન
ખાસ કરીને ભાજપના જ બે સિનિયર નેતાઓ વચ્ચે રાજકીય કદને લઈને જે ચકમક જરી રહી છે તે આગામી દિવસોમાં વધુ આગળ વધે તો નવાઈ નહીં. નીતિન પટેલને કાછડીયાએ જે પડકાર ફેંક્યો છે તેને લઈને અમરેલી ભાજપના બે સર્વોચ્ચ નેતાઓ દિલીપ સંઘાણી અને પરસોતમ રૂપાલાની પ્રતિક્રિયા હજુ સુધી બહાર આવી નથી. જે પણ ખૂબ રાજકીય દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવે છે. રામાયણથી શરૂ થયેલી કથા મહાભારત બનીને પૂર્ણ થાય નહીં તે મોવડીમંડળે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ ધારીનું ભાજપ સંગઠન ગ્રુપ રંગાયું અશ્લીલતાના રંગમાં, પોસ્ટ થયો અશ્લીલ વીડિયો
આ પણ વાંચોઃ રાજકોટમાં આવતા 'સૌની યોજના'ના પાણીનું બિલ રૂપિયા 80 કરોડ, આજીડેમની માલિકીનો છે વિવાદ