અમરેલી : કેસર કેરીના ચાહકો માટે ખુશીના સમાચાર છે. કારણ કે, ચાલુ વર્ષે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન આવે તેવા સાનુકૂળ સંજોગોનું નિર્માણ થયું છે. સૌથી સારી બાબત એ છે કે, આ વર્ષે કેસર કેરીની સીઝન લાંબો સમય સુધી ચાલશે તેવું ખેડુતો અનુમાન લગાવી રહ્યા છે. અમરેલી જિલ્લાના કેસર કેરીના ગઢ ગણાતા ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમા આંબા પર પુષ્કળ પ્રમાણમાં ફલાવરીંગ જોવા મળી રહી છે.
મબલખ ઉત્પાદનની આશા : છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ કારણોસર કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. અથવા તો કેરીની સિઝન ઝડપથી પુર્ણ થઈ જતી હતી, પરંતુ આ વર્ષે કેસર કેરીના ચાહકો માટે અને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. અમરેલી જિલ્લામાં આંબા પર પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરીંગ આવ્યું છે. એનો અર્થ એ કે આ વર્ષે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન આવશે. ધારી તાલુકાના જર ગામના ખેડુતોએ જણાવી રહ્યા છે કે, ચાલુ વર્ષે કેસર કેરીના મબલખ ઉત્પાદનની આશા બંધાઈ છે.
આ પણ વાંચો : ગીરની કેસર કેરી નહી મળે ખાવા, વાતાવરણમાં બદલાવથી પાકને થયું નુકસાન
ચાલુ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન : નોંધનીય બાબત એ છે કે, આ વર્ષે આંબા પર બબ્બે વખત ફ્લાવરીંગ થયુ છે. પરિણામે કેસર કેરીની સિઝન લાંબા સમય સુધી ચાલશે અને કેસર કેરીના રસિયાઓ લાંબા સમય સુધી કેરીનો સ્વાદ માણી શકશે. અમરેલી જિલ્લાના બાગાયત વિભાગના અધિકારી જણાવી રહ્યા છે કે, તૌકતે વાવાઝોડા બાદ આ વર્ષે આંબા પર આગતર અને પાછતર ફ્લાવરીંગ થયુ છે. જેના કારણે કેસર કેરીનું ઉત્પાદન મબલખ પ્રમાણમાં થાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Junagadh Kesar Mango: કેરીના સંશોધનમાં ખેડૂતે મેળવી સિદ્ધિ, જાણો કેરીમાં શું છે વિશેષતા
ખેડૂતોના ચહેરા પર ચમક : અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડા બાદ એક સમય એવો પણ આવ્યો હતો કે કેસર કેરી પકવતા ખેડૂતો નાસીપાસ થઈ ગયા હતા. કેટલાક ખેડુતોએ આંબાના બગીચાઓ જ કાઢી નાખ્યા હતા, પરંતુ હવે આ વર્ષે કેસર કેરીના મબલખ ઉત્પાદનની આશાએ ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ, અમરેલી કેરીને લઈને ગઢ માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે આંબા પર ફળ દેખાતા ખેડુતોનો ચહેરો ચમકી રહ્યો છે.