અમરેલી: રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટના દરિયા કાંઠે વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. પીપાવાવ પોર્ટ જેટી વિસ્તાર અને જાફરાબાદ બંદર વિસ્તારમાં દરિયો હાઈટાઈટ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર પોલીસ અને કોસ્ટગાર્ડ સીધી નજર રાખી રહ્યા છે. જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે, પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક જેટી વિસ્તારમાં ઉદ્યોગોને પણ તંત્ર દ્વારા એલર્ટ કર્યા છે.
દરિયાકાંઠે અવર-જવર પર પ્રતિબંધ: દરિયા કાંઠાના ગામડાઓને પણ એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે. જાફરાબાદના શિયાળ બેટ, પીપાવાવ પોર્ટ, બાબરકોટ, રોહિસા સરકેશ્વર બલાણા, ધારા બંદર રાજુલાના કોવાયા, ચાંચ બંદર, વિકટર, ખેરા, પટવા સહિત દરિયા કાંઠે આવેલા ગામડાઓને એલર્ટ કરાયા છે. તેમજ ગ્રામજનોને દરિયાકાંઠે અવર જવર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર આવેલું છે અને દરિયાઈ માર્ગ હોવાને કારણે બોટ વ્યહાર ચાલતો હોય છે. હાલ દરિયાની સ્થિતિ હાઈ ટાઇટ થતા બોટ વ્યવહાર બંધ કરાયો છે જેથી શીયાળ બેટ ગામમાં અવર જવર બંધ થઈ છે.
નવ ગામ એલર્ટ: રાજુલા માર્કેટીંગ યાર્ડ આજથી બંધ રાજુલા માર્કેટીંગ યાર્ડ 11 જુનથી 14 જૂન સુધી બંધ રાખવામાં આવી છે. યાર્ડમાં વેચાણ માટે જણસી લાવતા દરેક ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જણસી વેચાણ માટે લાવવી નહી. બીપરજોય વાવાઝોડાની આગાહીને લઇ અમરેલી જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. જાફરાબાદના તાલુકાના નવ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
જાફરાબાદનુ સ્થાનિક પ્રશાસન એલર્ટ: તમામ ગામોને રેવન્યુ તલાટી ફાળવી દેવામાં આવ્યા છે. ગામના સરપંચો સાથે સંપર્કમાં છે. આકસ્મિક સંજોગોમાં જરુર પડે તો નજીકની શાળાઓને ખુલી રાખવામાં આવી છે. તેમાં રહેવા જમવાની વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને પીપાવાવ પોર્ટથી શિયાળબેટ સુધીની બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શિયાળ બેટ માટે ઇમરજન્સી સેવા શરૂ રાખવામાં આવી છે. આ સિવાય જરૂર જણાય તો તુરંત જ સ્થળાંતરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે. ગઈકાલથી જાફરાબાદના દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યો છે.