અમરેલી : જિલ્લાના જાફરાબાદ તાલુકાના વતની 41 વર્ષીય પ્રફુલ છગન કોલડીયા હાલ પૂણામાં આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. પ્રફુલે પત્ની ભારતીબેનને છુટાછેડા આપી દીધા હતા. અઠવાડિયા પહેલાં ભાવનગરમાં રહેતી તેની પરિણિત પ્રેમિકાએ પ્રફુલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી તણાવમાં આવી અને સમાજમાં બદનામી થવાના ડરથી પ્રફૂલે ગુરુવારે સાંજે પોતાના મિત્રના ઘરે જઈ છતની હુંક સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આપઘાત પાછળ કારણ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મૃતક સામે એક મહિલા દ્વારા ભાવનગરમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તે અંગે તપાસ માટે સુરત પોલીસ આવી હતી. જોકે સમાજમાં બદનામી થશે તેવા ભયથી આપઘાત કર્યું છે. તે અંગે હાલ એક વિડીયો સામે આવ્યો છે, જેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. - પી.કે.પટેલ, એસીપી
પ્રફુલ માનસિક તણાવમાં હતો : પ્રફુલ ગાડીની લે વેચના ધંધા સાથે સંકળાયેલો છે અને પરિવારનું ગુજરાન ચલાવતો અઠવાડિયા પહેલા જ એમનો મોટો પુત્ર ધૃવ અઠવાડિયા નોકરી માટે દુબઇ ગયો હતો. નાનો પુત્ર રાજવીર માતા સાથે રહે છે. પ્રફુલ વિરુદ્ધમાં પોલીસ કેસ થતાં મહુવા પોલીસ તપાસ માટે સુરત આવી હતી. એટલું જ નહીં પ્રફુલના ઘરના દરવાજા પર પોલીસ દ્વારા નોટિસ ચોટાડવામાં આવી હતી. ત્યારથી પ્રફુલ અને તેના પરિવારના સભ્યો માનસિક તણાવમાં આવી ગયા હતા.
પુત્રને મેસેજ કરીને આપઘાત કર્યો : ગુરુવારે તેઓ વરાછાની ભગીરથ સોસાયટીમાં રહેતા તેમના એક મિત્રના ઘરે ગયા બાદ સોશિયલ મીડિયામાં “આપવીતી જણાવી હું મરી જવું છું” તેવો વીડિયો અપલોડ કરીને અને પોતાના પુત્ર રાજવીરના મોબાઈલ ઉપર મેસેજ “આત્મહત્યા કરવા જાઉં છું” કરીને જીવન ટુંકાવી લીધું હતું. બનાવને પગલે પોલીસે વધુની તપાસ હાથ ધરી છે.