અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે વિશ્વકપની 36મી મેચ રમાઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો ઈંગ્લેન્ડ અને ઓસ્ટેલિયાની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. દેશના ઉત્તરાખંડ અને કર્ણાટકથી ક્રિકેટપ્રેમીઓ મેચ જોવા આવ્યા હતા. ન માત્ર ભારત પરંતુ વિદેશમાંથી પણ ઈંગ્લેન્ડ અને ઓસ્ટેલિયાની મેચ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
આજની આ મેચ બન્ને ટીમો માટે ખૂબ જ મહત્વની છે. આજે ભારતની મેચ ન હોવા છતાં ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. ક્રિકેટને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લોકો તેમની પસંદગીની ટીમને સમર્થન આપવા માટે ક્યાંક ગાલ પર ટેટુ તો ટી શર્ટ પહેરીને આવ્યા હતા. ક્યાંક લોકો ભારતની ટીમની ટી શર્ટ પહેરીને આવેલા જોવા મળ્યા હતા.
એક તરફ જ્યાં ઓસ્ટ્રેલિયા 6માંથી 4 મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને છે તો બીજી તરફ ઇંગ્લેન્ડ 6માંથી 5 મેચ હારી 10માં સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના 2 મુખ્ય ખેલાડી ગ્લેન મેક્સવેલ અને મિચેલ માર્શ વિના મેદાન પર ઉતરશે. મેક્સવેલ ઈજાગ્રસ્ત થયો છે, તેની ગેરહાજરી ઓસ્ટ્રેલિયાને નડશે. ઈંગ્લેન્ડ સામેની મેચ માટે મેક્સવેલ અને માર્શ એમ બે દિગ્ગજ ઓલરાઉન્ડર બહાર થવાથી ઓસ્ટ્રેલિયાની ટીમની ચિંતા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં શરૂઆતી 2 મેચ ગુમાવીને જોરદાર વાપસી કરી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ જો ઓસ્ટ્રેલિયા જીત મેળવશે, તો ઓસ્ટ્રેલિયા માટે સેમીફાઈનલનો રસ્તો સરળ થશે.