ગાંધીનગર : 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવા જઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી મળતી સત્તાવાર માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મેચમાં હાજરી આપશે. સાથે જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાન વિધાનસભાની બે જાહેર સભા પૂર્ણ કર્યા બાદ સીધા અમદાવાદ આવશે.
કેવો છે પીએમ મોદીનો સંભવિત કાર્યક્રમ : રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે વિશ્વ કપ 2019 ની ફાઇનલ મેચમાં સાક્ષી બનવા જઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમની વાત કરીએ તો રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે રવિવારે દિલ્હીથી સીધા રાજસ્થાન જશે અને ત્યાં તારાનગર અને જુનજુનુંમાં મહાસભા સંબોધન કર્યા બાદ સીધા અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે.
સાંજે 5 વાગ્યા બાદ સ્ટેડિયમ આવી શકે : અમદાવાદ એરપોર્ટથી પ્રોટોકોલ પ્રમાણે તેઓ રાજભવન જશે. જ્યારે વર્લ્ડ કપની મેચ પીક પર હશે એટલે કે સાંજે 5:00 વાગ્યા બાદ ગમે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગણતરીના કલાકો માટેની હાજરી આપશે અથવા પૂરી મેચ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જોઈ શકે છે. મેચ પુરી થયા બાદ રાત્રી રોકાણ રાજભવન ખાતે કરીને સવારે ફરી રાજસ્થાન ચૂંટણીના પ્રચાર પ્રસારે રાજસ્થાન જશે.
અન્ય કોણ કોણ આવશે ગુજરાત? : ફાઇનલ મેચને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે મહત્વની બેઠક યોજાઇ હતી અને સુરક્ષા બાબતની ચર્ચા પણ કરી હતી. ત્યારે ફાઇનલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તો હાજર રહેશે સાથે સાથે કેન્દ્ર સરકારના અનેક પ્રધાનો અને અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો પણ આ મેચમાં હાજરી આપશે. જ્યારે ગુજરાત સરકારના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગુહપ્રધાન હર્ષ સંઘવી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.
હાજરી આપનાર VVIPS ની યાદી:
- અનુરાગ ઠાકુર
- આસામ સી.એમ
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- સિંગાપોર HM
- આરબીઆઈ ગવર્નર
- ઑસ્ટ્રેલિયન DYPM અને સંરક્ષણ પ્રધાન
- ભારતમાં ઓસ્ટ્રેલિયન રાજદૂત
- નીતા અંબાણી
- ગુજરાત હાઈકોર્ટ, ભારતના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો
- UAE એમ્બેસેડર
- અમિત શાહ
- હર્ષ સંઘવી
- મેઘાલયના મુખ્યમંત્રી
- ઉધયનિધિ સ્ટાલિન
- એરિક ગારસેટી
- લક્ષ્મી મિત્તલ અને પત્ની
અનેક મહાનુભાવો સ્ટેડિયમમાં જોવા મળશે : વર્લ્ડ કપની મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાવા જઈ રહી છે અને વર્ષ 2003ની ફાઇનલ મેચમાં જે રીતે ઈન્ડિયાની કારમી હાર થઈ હતી તેનો બદલો લેવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. સાથે જ ભારતીય ટીમના સમર્થનમાં લાખોની સંખ્યામાં પ્રેક્ષકો પણ હાજર રહેશે. ત્યારે અમદાવાદ મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમના તમામ પૂર્વ કેપ્ટનો, બોલીવુડની હસ્તીઓ, ક્રિકેટરોના પરિવારો સાથે અનેક VVIP હાજર રહેશે.