અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મહિલાએ નણંદોઈ સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિને કેન્સરની બીમારી થતા તે મૃત્યુ પામ્યા હતા, જોકે એ પહેલાં મહિલાના નણંદોઇએ એક દિવસ ઘરમાં આવીને બેડરૂમમાં બેસીને તેનો હાથ પકડી બીભત્સ વાતો કરતા મહિલાએ આ મામલે નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેડતીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પતિનું કેન્સરથી મોત: આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર મૂળ રાજસ્થાનની 33 વર્ષીય શાલીની (નામ બદલેલ છે) ના લગ્ન 30 જુન 2020 ના રોજ રાજસ્થાન ખાતે સમાજના રીત રિવાજ મુજબ રાકેશ (નામ બદલેલ છે) સાથે થયા હતા. લગ્ન બાદ તે પતિ સાથે નિકોલ ખાતે રહેતી હતી. લગ્ન બાદ તેને જાણવા મળ્યું હતું કે પતિ રાકેશને કેન્સરની બીમારી છે. જે પછી કેન્સરની બીમારીથી 15 મી એપ્રિલ 2023 ના રોજ પતિ રાકેશનું મૃત્યુ થયું હતું.
પતિની બીમારી અંગે વાત કરવાનું બહાનું: 22 જાન્યુઆરી 2023 ના રોજ શાલિની તેના પતિ રાકેશ સાથે ઘરે હાજર હતી અને તેની માતા ફિજીયોથેરાપીની સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં ગયા હતા. શાલીની બાથરૂમમાં નાહવા ગઈ હતી અને સવારના 11 વાગ્યા આસપાસ એ નાહીને બહાર બેડરૂમમાં આવતા તેના સગા નણદોઈ કે જે અમદાવાદ ખાતે રહેતા હોય તે તેના બેડરૂમમાં બેડ ઉપર બેઠા હતા. નણદોઈએ શાલિનીને "તમે મારી પાસે બેસો મારે તમારી સાથે વાત કરવી છે", તેવું જણાવતા શાલીની તેઓની પાસે ગઈ હતી. તે સમયે નણદોઈએ શાલિનીના પતિ રાકેશને તાવ આવે છે અને પતિને કેન્સરની બીમારી બાબતે વાત કરવાનું શરૂ કર્યું હતું.
નણંદોઈએ કરી છેડતી: વાતો વાતોમાં શાલિનીનો હાથ પકડીને પોતાના હાથમાં રાખ્યો હતો. જે બાદ શાલિનીને કહેવા લાગ્યો હતો કે "તમે એકલા છો, તેમ ન સમજતા, હું તમારી સાથે છું, હું તમને સમજી શકું છું, કે પતિને કેન્સરની બીમારી છે, તમને સુખ આપી શકતો નથી, તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. તમે સમજો છો ને હું તમને શું કહેવા માગું છું". રાકેશ તમને જે સુખ આપી ન શકે એ સુખ હું તમને આપીશ. તેવું જણાવતા શાલીની ઉભી થઈ રહી હતી.
ફરિયાદ દાખલ: જોકે અંતે સમગ્ર મામલે તેઓએ નિકોલ પોલીસમાં મથકે નણંદોઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી જાટે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે.
પરિવારની ઈજ્જતને કારણે અત્યાર સુધી ફરિયાદ ન કરી: નણંદોઈએ તેનો હાથ પકડી લીધો હતો અને તેના ખભા ઉપર હાથ રાખ્યો હતો અને ખેંચતા તેનો હાથ શાલિનીના કમર ઉપર આવી ગયો હતો. જેથી તે ગભરાઈ જતા બેડરૂમમાંથી બહાર આવીને બીજા રૂમમાં ગઈ હતી અને પતિની આ અંગે જાણ કરી હતી. તે દરમિયાન નણંદોઈ ઘરેથી જતા રહ્યા હતા અને માતા હોસ્પિટલમાંથી ઘરે આવતા આ બાબતની જાણ માતાને પણ કરી હતી. પરિવારમાં આબરૂ જશે તેવી બાબત વિચારીને આજ દિન સુધી સામે ફરિયાદ કરી ન હતી.