અમદાવાદ :વિશ્વ આખું કોરોના વાયરસની ચપેટમાં આવી ગયું છે. જેને પગલે વિશ્વના કેટલાય દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે. ફેકટરીઓ, ઉદ્યોગ, ધંધા, વાહનવ્યવહાર બંધ છે. આથી વિશ્વમાં તેલનું વેચાણ સાવ ઘટી ગયું છે, અને નવી ડિમાન્ડ જ નથી. આ ડિમાન્ડ કયારે નીકળશે, તે પણ સ્પષ્ટ નથી. આ સંજોગો વચ્ચે ક્રૂડના ભાવ સતત ઘટી રહ્યા છે, અને ઐતિહાસિક નવા નીચા ભાવે આવા ગયા છે.
બીજી તરફ કોરોના વાયરસના સંકટને કારણે ડિમાન્ડ ઘટી ગઈ છે. કોઈ વેપારી ક્રૂડ ખરીદીને તેમની પાસે સ્ટોર કરી રાખે તેવી સ્થિતિ નથી. આ કારણોસર વૉલ સ્ટ્રીટ પણ તૂટી ગયું છે. એશિયાઈના સ્ટોક માર્કેટ સહિત ભારતનું શેરબજાર પણ ગબડ્યું છે. અમેરિકામાં કાચા તેલની કીમત શૂન્યની નીચે એટલે કે માઈનસ 3.70 ડૉલર સુધી જતી રહી છે. 1983માં અમેરિકામાં તેલ ફયુચર ટ્રેડિંગ શરૂ થયું પછી આવું પહેલી વાર થયું છે કે, અમેરિકામાં કાચા તેલની કિંમત માઈનસમાં ગઈ હોય.
ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે ખરા?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ગગડીને માઈનસમાં જતા રહ્યા છે. ત્યારે હવે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા ઘટશે, તેના પર નજર છે. પણ ક્રૂડ રિફાઈન કર્યા પછી તેલ કંપનીઓ ચાર્જ લઈને આગળ વધે છે. વીતેલા મહિને ભારતમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર પ્રતિ લીટર 14 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 17 રૂપિયા ચાર્જ લે છે. ત્યાર પછી તેના પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ લાગે છે.
પેટ્રોલ પર પ્રતિ લીટર અંદાજે રૂપિયા 20 અને ડીઝલ પર અંદાજે રૂપિયા 16 ડ્યૂટી અને સેસ લાગુ પડે છે. તે પછી પેટ્રોલપંપ માલિકનું કમીશન આ છે. તેઓ પેટ્રોલ પર પ્રતિ લીટર રૂપિયા 3.55 અને ડીઝલ પર રૂપિયા 2.49 કમીશન ચઢાવે છે. ત્યાર પછી તેના પર વેટ લાગુ પડે છે. દિલ્હીમાં પેટ્રોલ ડીઝલ પર 27 ટકા વેટ લાગે છે. આમ આ રીતે ક્રૂડ ઓઈલ રિટેઈલમાં આવતા આવતા પેટ્રોલ ડીઝલની કીમત 3 થી 4 ગણા વધી જાય છે.