અમદાવાદ : પોલીસ વિભાગમાં કામ કરવું એ ખૂબ જ અઘરું છે, દિવસ રાત જોયા વિના લોકોની સલામતી માટે ફરજ બજાવવી ખૂબ મોટી વાત છે. સરકારના અન્ય વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે નોકરીના સમયની મર્યાદા છે, પરંતુ પોલીસ વિભાગમાં સમયની કોઈ મર્યાદા રહેતી નથી. ક્યારેક તો 20થી 24 કલાક સુધી આ સતત પોલીસ જવાનો ફરજ નિભાવતા હોય છે અને પરિવારને સમયઆપી શકતા નથી. ડિપ્રેશનમાં આવી જીવન ટૂંકાવવા જેવો નિર્ણય લઈ લે છે.
![Reasons for suicide of police personnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2023/gj-ahd-23-police-suicide-special-photo-story-7211521_13092023203735_1309f_1694617655_524.jpg)
પરિવાર કયા કારણોસર રહ્યો ખામોશ ? : હાલમાં જ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વસ્ત્રાલમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ કિરણ દેવજીભાઈ લકુમે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. છેલ્લા 7 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીને અચાનક એવું તો શુ થયું કે તેમણે આવું અંતિમ પગલું ભર્યું તે સૌથી મોટો સવાલ છે. જોકે આ ઘટનામાં અગાઉની ઘટનાઓ જેમ પોલીસકર્મીના પરિવારે કોઈ પણ જાતનો આક્ષેપ કે વાંધો ઉઠાવ્યો જ નથી. આ પોલીસકર્મીને ઘરમાં પરિવાર સાથે કોઈ સમસ્યા હતી કે નોકરી પરના કોઈ અધિકારી કર્મચારી જોડે તે સવાલનો જવાબ મળ્યો નથી.
![V](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2023/gj-ahd-23-police-suicide-special-photo-story-7211521_13092023203735_1309f_1694617655_9.jpg)
આપઘાત કરતા પહેલા લખી ચિઠ્ઠી : ગત વર્ષે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા અને ગોતામાં રહેતા કુલદીપસિંહ યાદવ નામના પોલીસ કર્મચારીએ પત્ની રિદ્ધિ બેન યાદવ અને ત્રણ વર્ષની દીકરી આકાંક્ષી સાથે ફ્લેટના દસમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. જે કેસમાં અંતિમ લખાણ પણ સામે આવ્યું હતું. જેમાં ગ્રેડ-પે ના મુદ્દાની પણ વાત હતી અને અધિકારીઓ પણ ગંભીરાક્ષેપો હતા. જો કે, તે કેસમાં પણ હજુ સુધી આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. કોન્સ્ટેબલે આપઘાત કરતા પહેલા પોતાના મિત્રો અને પરિવારજનોને ટાંકીને એક મેસેજ લખ્યો હતો અને અલગ અલગ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.
![Reasons for suicide of police personnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2023/gj-ahd-23-police-suicide-special-photo-story-7211521_13092023203735_1309f_1694617655_368.jpg)
પોલીસ વિભાગમાં નોકરી કરતા સમયે અનેક કારણોથી પોલીસ કર્મચારીઓ સતત ડિપ્રેશનમાં રહેતા હોય છે. ખાસ કરીને નોકરીનો અચોક્કસ સમય અને ઉપરી અધિકારીઓની કામ બાબતેની રોકટોક અને કોઈપણ કેસમાં કામગીરી કરવા બાબતે કરવામાં આવતું દબાણ આવા અનેક પરિબળો હોય છે. પોલીસ કર્મચારીઓ માટે સરકારે ચોક્કસ સમય અને અન્ય ફેરફારો કરવા જોઈએ. અન્ય રાજ્યોમાં તો ડીજીપી કક્ષાના અધિકારીઓએ પણ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેવામાં પોલીસ વિભાગમાં આપઘાત કરવા પાછળના અનેક પરિબળો હોય જેમાં મોટાભાગે કામનું પ્રેશર અને ઉપરી અધિકારીની હેરાનગતિ હોઈ શકે છે. - પૂર્વ આઇપીએસ અધિકારી અંબાલાલ ચૌહાણ
આપઘાત પાછળનું કારણ અકબંધ : 2021માં અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયાએ પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. જેમાં આપઘાત કરતા પહેલા તેઓએ પોતાના વ્હોટ્સએપ સ્ટેટસમાં બાય બાય નો સિમ્બોલ દર્શાવતું ઈમોજી પણ મૂક્યું હતું. ઉમેશ ભાટિયા પાલડી પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ ફરજમાં નિષ્ઠાવાન પોલીસ કર્મી તરીકેની છાપ ધરાવતા હતા, છતાં પણ અચાનક જ તેઓએ પોલીસ સ્ટેશનમાં જ ગોળી મારીને આપઘાત કરી લેતા તે કેસમાં પણ હજુ સુધી આત્મહત્યા પાછળનું નક્કર કારણ સામે નથી આવ્યું.
![Reasons for suicide of police personnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2023/gj-ahd-23-police-suicide-special-photo-story-7211521_13092023203735_1309f_1694617655_729.jpg)
માતા-પિતા ન્યાય મેળવવામાં નિષ્ફળ રહ્યા : 2019માં ચાંદખેડામાં રહેતા અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 27 વર્ષીય ફાલ્ગુની શ્રીમાળીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જેમાં 11 લોકો સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ થયો હતો. 27 વર્ષીય પોલીસ કર્મચારીએ પોતાના ઘરમાં જ બાથરૂમમાં આપઘાત કર્યો હતો. તેની પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં તે માતા પિતાને ન્યાય અપાવવામાં નિષ્ફળ નબળી હોય અને વડગામમાં ચાલતા ઝઘડા અંગે વાત કરી હતી. જે કેસમાં તેઓએ સુસાઇડ નોટમાં 8 લોકોના નામ લખ્યા હતા, જે વડગામના રહેવાસી હોય જેઓની સામે ગુનો પણ દાખલ થયો હતો.
![Reasons for suicide of police personnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2023/gj-ahd-23-police-suicide-special-photo-story-7211521_13092023203735_1309f_1694617655_190.jpg)
અધિકારીના કારણે મોતને પસંદ કર્યું : 2018માં કરાઈ એકેડમીના તાલીમ પીએસઆઇએ સોલા વિસ્તારમાં પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો. જેમાં શાયોના સિટી પાસેના નિર્માણ ટાવરમાં રહેતા દેવેન્દ્રસિંહ રાઠોડ નામના PSIએ 31 ડિસેમ્બર 2018 ના રોજ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કર્યો હતો. આપઘાત બાદ એક સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં ઉપરી અધિકારી ડીવાયએસપી નરેન્દ્ર પી પટેલ દ્વારા શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય અને અન્ય બાબતોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ગુનો પણ દાખલ થયો હતો.
કામના પ્રેસરના દુનિયાને છોડી : વડોદરાના અલકાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ સંજયસિંહ જાડેજાએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, આ નોકરી મારાથી થાય તેમ નથી, મને માફ કરજો. તે ઘટનામાં પણ પોલીસે અકસ્માત મોત દાખલ કરી હતી. પરંતુ કોઈ ચોક્કસ કારણ સામે ન આવ્યું.