- સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ અનાદર કરી કામદારો પાસે કામ કરાવાય
- માનવ અધિકારનો ભંગ કરાય છે, કાયદાથી પ્રતિબંધિત કામ કોના ઈશારે થાય
- કોરોનાના કપરા સમયમાં સફાઈ કામદારોની સુરક્ષાના નામે મીંડુ જોવા મળ્યું
- 'વિરમગામ નગરપાલિકાના સફાઈ કામદારો પાસે સુરક્ષાના સાધનો આપ્યા વિના કામ કરાવાય છે'
વિરમગામઃ વિરમગામ નગરપાલિકા દ્વારા ગોલવાડી રોડ પર સફાઈ કામદારો પાસે સુરક્ષાના સાધનો આપ્યા વગર કામદારો કામ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજમેન્ટનો અનાદર કરી સફાઈ કામદારો પાસે વિરમગામ નગરપાલિકા કામ કરાવી રહી છે. તેવો આક્ષેપ દલિત અધિકાર મંચના કિરીટ રાઠોડે કર્યો છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણે ફરી જોર પકડ્યું છે ત્યારે વિરમગામ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે અને વિરમગામ નગરપાલિકામાં કોના આદેશથી સફાઈ કામદારો પાસે સુરક્ષાના સાધનો આપ્યા વિના કાયદા અને નિયમો વિરુદ્ધ કામ કોણ કરાવે છે ? આ કામ સમયે જવાબદાર અધિકારી કોઈ નજરે ન ચડ્યા સફાઈ કામદારો રામ ભરોસે રાખવામાં આવે છે ?
સફાઈ કામદારોને કોરોનાનો ચેપ લાગશે તો કોણ જવાબદાર?
સફાઈ કામદારો પાસે સુરક્ષાના સાધનો આપ્યા વિના કાયદા વિરુદ્ધ કામ કરાવે છે. સફાઈ કામદારો ગંદકીમાં ઉતરી અને કામ કરે છે ગટરના દૂષિત પાણીમાં હાથ નાખવા પડે છે તેમને કોરોના વાયરસનો ચેપ લાગશે તો કોની જવાબદારી ? કોરોના કાળના કપરા સમયમાં સફાઈ કામદારોની સુરક્ષાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. આ સમસ્યા અંગે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ સ્થળ પર જઈ ફોટા અને વીડિયોગ્રાફી કરી આ સમસ્યા ધ્યાન પર આવતા માનવ અધિકાર આયોગને લેખિત ફરિયાદ કરી છે. અને આ સમગ્ર મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદની પણ માગ કરી છે. વિરમગામ નગરપાલિકામાં કોના આદેશથી સફાઈ કામદારોને સુરક્ષાના સાધનો આપ્યા વિના કાયદા અને નિયમ વિરુદ્ધ કામ કોણ કરાવે છે?