અત્યાર સુધી ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોર સાથે હતો. અલ્પેશ ઠાકોરના પક્ષ પલટાના કારણે ઠાકોર સમાજમાં ભાગલા પડી ગયા અને ઠાકોર સમાજનો વિશ્વાસ અલ્પેશ ઠાકોર ખોઈ બેઠા હતાં. પોતાના હિત ખાતર પાર્ટી બદલનાર અલ્મેશ મતદારોનું શું ભલુ કરશે, એવો પ્રશ્ન લોકજીભે ચર્ચાઈ રહ્યો હતો. બીજી તરફ અલ્પેશ ઠાકોરના વેવાઈએ નિવેદન કર્યું હતું કે અલ્પેશ ઠાકોરને તમે શું ઓળખો હું બરાબર સારી રીતે ઓળખું છું. ઠાકોર સમાજ પર તેનો પ્રભાવ પડ્યો હોય અને ઠાકોરો કોંગ્રેસને મત આપી આવ્યા અથવા તો મત આપવા જ આવ્યા નથી. ભાજપને મત નથી આપવો તો કોંગ્રેસને પણ મત નથી આપવો. ઓછા મતદાનથી કોંગ્રેસને ફાયદો થાય તે થીયરી સાચી પડી.
ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપની પાર્ટી લાઈનની બહાર જઈને નિવેદનો કર્યા હતાં. અલ્પેશે એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, તેઓ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ ઈચ્છે તેને ટિકિટ અપાવી શકતા હતાં. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે બોલી રહ્યા હતાં, પણ ભાજપના નેતાઓ પર તેની અસર જોવા મળી હતી. ભાજપની રણનીતિ એવી છે કે બેઠકની ફાળવણી નેતા નહી પાર્ટી કરે છે. આવા સમયે કોંગ્રેસમાં હતાં, ત્યારે તેમની તાકાત યાદ આવી ગઈ, આ વાત મતદારોની ગમી નથી.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ભાજપના મોવડીમંડળ સાથે સોદાબાજી કરી હતી, મને પ્રધાનમંડળમાં સમાવવાની વાત ચૂંટણી પ્રચારમાં કરી હતી. અલ્પેશે એમ પણ કહ્યું હતું કે, હું તો કેબિનેટ મીનીસ્ટર બનવાનો છું. મતદારોએ નક્કી કર્યું કે અમે મત આપીશું તો તમે કેબિનેટ મીનીસ્ટર બનશો ને.
રાહુલ ગાંધીની જાહેરસભામાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસમાં તેમને બહુ ભાવ ન મળતા કે પછી ગમે તે કારણ હોય કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા પછી તેમને કેબિનેટ મીનીસ્ટર બનવાનું સ્વપ્ન આવ્યું તો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવ્યા, પણ પરિણામ સાથે જ તેમનુ સ્વપ્ન ચકનાચૂર થઈ ગયુ છે.
અલ્પેશ ઠાકોર જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓને ગમ્યું ન હતું. મોવડીમંડળ પણ નારાજ હતું, પણ પાર્ટીનો આદેશ માથે ચડાવીને ભાજપમાં એન્ટ્રી તો આપી પરંતુ ચૂંટણી પરિણામોએ અલ્પેશ ઠાકોરની કારકિર્દી સમાપ્ત કરી નાંખી છે.
બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી કોંગ્રેસમાં ભારે ગણગણાટ હતો, કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને હરાવવા. જેથી કોંગ્રેસે રાધનપુર બેઠક પર જ એડી ચોડીનું જોર લગાવ્યું હતું અને ઠાકોર સમાજનો સાથ લીધો હતો. અલ્પેશ ઠાકોરને હરાવ્યા. આજે કોંગ્રેસને ડબલ ખુશી હતી. ચૂંટણીમાં 3 બેઠકો તો જીત્યા પણ રાધનપુરની બેઠક જીત્યા તેની ખુશી વધારે છે.
સામાન્ય રીતે આયાતી ઉમેદવારોને ગુજરાતની જનતા સ્વીકારતી નથી, એ ઉક્તિ પણ સાચી પડી છે. ‘પાર્ટીનો ના થાય તો તે ઉમેદવાર મતદારોનો કેવી રીતે થશે’. દારૂના મુદ્દે રાજકારણ કરનાર એ જ વ્યક્તિ ભાજપમાં જોડાઈ જાય અને ભાજપમાં જોડાયા પછી દારૂના નામે એકપણ નિવેદન નહી આપ્યું. ઠાકોર સમાજના કહેવાતા આ નેતા હવે ભૂતકાળ બની ગયા છે.
ઉપરોક્ત કારણો જોતા કોણે કોનો બદલો લીધો, તે ચિંતન કરવાનો સમય અલ્પેશ ઠાકોર માટે છે.
અમદાવાદથી બ્યુરો ચીફ ભરત પંચાલનો વિશેષ અહેવાલ