- રામલીલા, બાજીરાઓ મસ્તાની અને ગેંગ્સ ઓફ વાસેપુર જેવી ફિલ્મોમાં ગુજરાતી અભિનેતા
- ભારતની પ્રખ્યાત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાંના વિધાર્થી રહી ચૂક્યા છે વિવેક ઘમંડે
- ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે કર્યું છે ગુજરાતી નાટકમાં કામ
અમદાવાદ: વિવેક ઘમંડે ગુજરાતી અભિનેતા છે. જે બોલિવૂડના હિન્દી ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં અવાર નવાર જોવા મળે છે. મૂળ ગુજરાતના અમદાવાદમાં જન્મેલા, તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. ત્યારબાદ તેઓ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાયા હતા. ઘણા વર્ષો પછી કોઈ અમદાવાદી કલાકાર એમાં એડમિશન મેળવી શક્યા તે પણ એક ગુજરાતી તરીકે ગૌરવની વાત કહી શકાય. તેમણે મનોજ બાજપેયી અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનિત અનુરાગ કશ્યપના બ્લોકબસ્ટર ગુના-નાટક 'ગેંગ્સ ઓફ વાસેપુર' (2012)માં કાસિમના યાદગાર રોલથી તેમના બૉલીવુડના કેરિયરની શરૂઆત કરી હતી.
પહેલી મુખ્ય ભૂમિકા ટૂંકી ફિલ્મ 'ધ સિમ્બોલ ઓફ મેરેજ' (2018)માં પતિ તરીકેની ભજવી હતી
આ ફિલ્મે વિવેક ઘમંડેની કારકિર્દીને સારી શરૂઆત આપી હતી. ત્યારબાદ તેઓ સુપરહિટ મૂવીઝ 'શાહિદ' (2012), સંજય લીલા ભણસાલીની રણવીર સિંગ અને દીપિકા પાદુકોણ અભિનિત ફિલ્મ 'ગોલિઓં કી રસલીલા રામ-લીલા' (2013) અને આ જ કલાકારો સાથે ફરી વખત 'બાજીરાવ મસ્તાની' (2015) માં તેમના અભિનયના ઓજસ પાથરીને એક ગુજરાતી કલાકાર તરીકે બોલીવુડમાં પગપેસારો કરવામાં સફળતા મેળવી ચુક્યા છે. તેમણે જયદીપ ચોપડાની પંદર મિનિટની ટૂંકી ફિલ્મ 'ધ સિમ્બોલ ઓફ મેરેજ' (2018)માં પતિ તરીકેની પહેલી મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમજ તાજેતરમાં 'ગઢવી' (2018)માં મુખ્ય ભૂમિકા નિભાવી છે.
વિવેક ઘમંડે હાલ થોડા ગુજરાતી ફિલ્મો અને વેબ સિરિઝ પર કામ કરી રહ્યા છે
આજે ETV BHARAT દ્વારા આ કલાકારની સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, બોલીવુડમાં કામ મેળવવા માટે ભલે તમે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાંમાં ભણ્યા હોય પણ તમારી અથાગ મહેનત અને પોઝિટિવ વિચારો દ્વારા જ આગળ વધી શકાય છે. મારી શરૂઆતમાં મને સારા કિરદારો કરવા મળ્યા તે માટે હું સૌ કલાકારો અને દિગ્દર્શકો કે જેમને એ મારા પર વિશ્વાસ મૂક્યો તેમનો આભારી છું. વધુમાં તેમને જણાવ્યું હતું કે, બોલીવુડના કલાકારો જેવા કે નવાઝુદ્દીન સીદીકી, મનોજ બાજપાઈ અને બીજા મોટા ગજાના કલાકારો સાથે કામ કરવું ખુબ ગૌરવશાળી માની શકાય અને આ કલાકારો પણ શૂટિંગ દરમિયાન મારા જેવા નાના કલાકાર સાથે પણ એકદમ વિવેકપૂર્ણ વર્તન કરે છે. આ ઉપરાંત પણ તેમના પાસેથી ઘણું શીખવા મળે છે. વિવેક ઘમંડે હાલ કોરોનાના સમયના કારણે થોડા વખત માટે પોતાના પરિવાર સાથે રહેવા માટે અમદાવાદ આવ્યા છે. તેમને થોડા ગુજરાતી ફિલ્મો અને વેબ સિરિઝ પર કામ કરી રહ્યા છે. તેમને ઈચ્છે છે કે, સારી ગુજરાતી ફિલ્મ પણ તેમને કરે. ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મો તેમના લિસ્ટમાં હજૂ આવી રહી છે. એક ગુજરાતી કલાકાર આ લેવલ સુધી પહોંચી શકે તે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે.