અમદાવાદ: શહેરના જાસપુર ખાતે તારીખ 28-29 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે, ત્યારે જગત જનની મા ઉમિયાની ભવ્ય ઉમિયાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્યાતિભવ્ય ઉમિયાયાત્રામાં 15 હજાર બાઈકસવાર, 300 કારચાલકો જોડાયા હતા. તો 37 કિ.મી. લાબી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
અમદાવાદના ઘાટલોડિયાના પાટીદાર ચોકથી 37 કિમી લાંબી ઉમિયાયાત્રાનો પ્રારંભ થયો હતો. પાટીદાર ચોકથી યાત્રા વંદેમાતરમ રોડ, ન્યૂ રાણીપ થઈ નિર્ણયનગર, પ્રભાત ચોક, રન્નાપાર્કથી સતાધારથી સુરધારા સર્કલ અને સુરધારા સર્કલથી ગુલાબ ટાવર, સાયન્સ સિટીથી ભાડજ સર્કલ સુધી અને ત્યાંથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે જશે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા શહેરનાં વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ખાતે ૧૦૦ વીઘા જમીનમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે ‘વિશ્વ ઉમિયાધામ’ નિર્માણ પામશે. જે વૈશ્વિક કક્ષાનું મા ઉમિયાનું આ મંદિર અનોખું ‘ટૂરિઝમ ટેમ્પલ’ બની રહેશે. ‘વિશ્વ ઉમિયાધામ’ સર્વ સમાજને સાથે રાખીને આ ભવ્ય મંદિર આકાર પામવા જઈ રહ્યું છે.
વિશ્વ ઉમિયાધામ ખાતે તારીખ ૨૮મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે ૧૦૮ નિધિ કળશ તથા જવારા સાથેની ૧૧,૧૧૧ બહેનોની ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ મા ગંગાનાં જળ ભરેલા ૧૦૮ નિધિ કળશનું પૂજન થશે. આ દિવસે મંદિર પરિસરમાં ભક્તો દર્શન કરી શકે તે માટે જગત જનની મા ઉમિયાની ચલ પ્રતિષ્ઠા અને ગણેશજી અને બટુક ભૈરવની ચલ પ્રતિષ્ઠા થશે. જ્યારે સાંજે ૪ વાગ્યે દાતાઓનો અભિવાદન સમારોહ પણ યોજાશે.