અમદાવાદ : અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે ગુજરાત અને દેશના રાજવી પરિવારોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આઝાદીના 75 વર્ષમાં આવું કાર્ય એક પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કર્યું નથી ત્યારે પ્રથમ વખત અમદાવાદમાં પાટીદાર સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તમામ રાજવી ઓના અનુયાયીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ મેવાડે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરીને મહત્વના મુદ્દે નિવેદનો પણ આપ્યા હતા.
રાજસ્થાનની ચૂંટણીમાં જનતાનો નિર્ણય સર્વોપરી: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ એ એક બાજુ સ્ટેજ ઉપર થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના વખાણ કર્યા હતા, તો બીજી તરફ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી બાબતે ઈટીવી ભારતે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જનતાનો નિર્ણય સર્વોપરી રહેશે, જનતા જે નિર્ણય લેશે તે જ થશે પરંતુ કોઈ પણ પ્રકારનો રાજકીય જવાબ આપ્યો ન હતો.
તમામ રાજવીઓ એક છત નીચે: લક્ષ્યરાજસિંહ મેવાડે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તમામ રાજ્યોને એક મંચ ઉપર ભેગા કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે તે બદલ તેઓ ગુજરાતની ભૂમિને અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાનો આભાર વ્યક્ત કરે છે. તેમણે ઉમેર્યુ હતું કે, જ્યારે વર્ષો પછી તમામ રાજવીઓ એક છત નીચે ભેગા થયા છે તે પણ એક ગૌરવની વાત છે.
ગુજરાત સાથે અલગ લગાવ: ઈટીવી ભારત સાથેની વાતચીતમાં લક્ષ્યરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત અને રાજસ્થાનનું કનેક્શન કંઈક અલગ જ છે, અને તેમની માતા પણ ગુજરાતથી જ છે, તેથી ગુજરાત સાથે તેમનો અલગ જ લગાવ છે. આમ ગુજરાતની જમીન અને ગુજરાતની માટીને તેઓ વંદન કરે છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે એકતાનો સંદેશો આપ્યો હતો, ત્યારે આવનારા દિવસોમાં પણ એકતા બની રહે તે માટે પણ કાર્ય કરવું પડશે.
મોદી-શાહની પ્રશંસા: જાહેર મંચ પર મેવાડના રાજવી લક્ષયરાજ સિંહે નિવેદન આપ્યું હતું કે, તમામ રાજ્યોને એક જ મંચ પર લાવવાનો વિચાર ફક્ત ગુજરાતમાં જ આવ્યો છે, અને મેવાડ જોડે હાલમાં ફક્ત વચન અને સ્વભાવ સ્વભિમાન સિવાય કંઈ જ નથી અને જરૂર પડે તો યાદ કરજો મેવાડ હંમેશા તમારી સાથે જ ઉભું રહેશે સાથે જ ગુજરાતમાં આઝાદી સમયે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી હતા, ત્યારે આજના સમયમાં પણ ગુજરાતમાંથી જ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન તરીકે અમિત શાહ છે જે દેશને એક રાખી રહ્યા છે.