અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. દરેક પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસાર પણ જોરો-શોરોમાં ચાલી રહ્યો છે. ભાજપે વિરમગામ વિધાનસભાથી(viramgam legislative assembly) હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું કે ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસને સ્વીકારશે નહિ.
બહુમતી સાથે ભાજપ બનાવશે સરકાર: ભાજપે વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. જે મુદ્દે તેમણે જણાવ્યું હતું કે "ભાજપે મને જે જવાબદારી સોંપી છે તેને નિભાવવાનું કામ કરીશ. તમામને સાથે લઈને વિરમગામ બેઠક પરથી ચૂંટણી જીતવાના પ્રયાસો કરવામાં આવશે. કોંગ્રેસ ભલે 10 વર્ષથી આ બેઠક પર કબજો જમાવી રહી હોય પરંતુ આ મારો જન્મ, કામ અને માતૃભૂમિ છે અને અહીંના લોકો અમને સ્વીકારશે. ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150 થી વધુ બેઠકો સાથે બહુમતી સાથે સરકાર રચવા જઈ રહી છે. આમાં અમે અમારું યોગદાન આપવા આવ્યા છીએ."
કોંગ્રેસ પર તાક્યું નિશાન: ઉપરાંત આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીતે ગેરંટી કાર્ડ સાથે પોતાનો પ્રચાર કરી રહી છે અને તેને ભાજપ મફત રેવડી સાથે સરખાવે છે. આ મુદ્દે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે "ગુજરાત સરકાર તમામ ગુજરાતીઓેને મફત વીજળી આપે છે. દરેક ઘરમાં સોલાર પેનલ છે. AAP હોય કે કોંગ્રેસ તેઓ હંમેશા ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ રહ્યા છે. ગુજરાતના 7 કરોડ લોકો તેમને ક્યારેય સ્વીકારશે નહીં."
વિરમગામ કોંગ્રેસનો ગઢ: ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો યુવા ચહેરો છે. પાટીદાર આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા અને કાર્યકારી અધ્યક્ષ તરીકેની ભૂમિકા બજાવી હતી. જોકે તેઓ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. આખરે તેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી છે તે બેઠક છેલ્લા બે ટર્મથી કોંગ્રેસનો ગઢ રહી છે ત્યારે હાર્દિક પટેલ મતદારોનો વિશ્વાસ જીતવામાં કેટલા સક્ષમ નીવડે છે તે જોવું રહ્યું