સાબરમતી નદીમાં લોકો પૈસા નાખતા હોય છે, નદીનું જળ સ્તર ઓછું થયા પછી કેટલાક લોકો તેમાંથી સિક્કાઓ ભેગા કરીને પોતાના પરિવારને એક ટંકનું ભોજન આપી રહ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારત દેશની અને ખાસ કરીને ગુજરાત મોડલની થતી વાતો આ દ્રશ્યો જોયા બાદ પાંગળી સાબિત થઈ રહી છે. એક તરફ રોજગારીનો પ્રશ્ન છે તો, બીજી તરફ પોતાના પરિવારને એક ટંકનું ભોજન આપવાની વાત.
વર્ષોથી ગુજરાતમાં સત્તા પર કાબુ મેળવેલી ભાજપ સરકાર ગુજરાત મોડેલની મોટી મોટી વાતો કરે છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં ન્યાય યોજનાની વાત કરીને ગરીબોને સારું જીવન સ્તર આપવાની વાત કરે છે. સવાલ બંને પાર્ટીની નિતિઓ પર ઊભા થાય છે કારણ કે, વર્ષો સુધી કેન્દ્રમાં સત્તામાં રહેલી કોંગ્રેસ આજે પણ ગરીબી હટાવવાની વાત કરે છે. તો ગુજરાતની ભાજપની સરકાર ગુજરાત મોડલને લઈને દેશભરમાં પોતાનો પ્રચાર કરે છે. ત્યારે જોવું રહ્યુ કે, સત્ય તેનાથી ખૂબ વેગળું છે જે બંને પાર્ટીઓએ સમજવાની જરૂર છે.