આ વ્રત ભારતીય મહિલાઓ પોતાના પતિની દીર્ઘાયુ માટે વડ પૂજા કરી સાવિત્રી વ્રત ઉપવાસ રાખે છે. આ પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. તો ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે. તો આવો જાણીએ આ વ્રતનું વિશેષ મહત્વ.
આમ તો, વ્રતની તિથિને લઈને લોકોના જુદા જુદા મત છે. પરંતુ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આ વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે, વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનો વાસ છે એટલે તેની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે.
આ વ્રત કરતી મહિલાઓ વડને સુતરની આંટી વિટીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. તો સાથે જ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના કરે છે.
હિન્દુ ધર્મના ધાર્મિક પુસ્તકોમાં પ્રમાણે વડના વૃક્ષનું પૂજન અને સાવિત્રી-સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વટ સાવિત્રીના નામથી પ્રસિધ્ધ થયું છે. આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે.
જાણો આ વ્રતની પૂજન વિધિ
- વહેલી સવારે ઉઠી ઘરની સફાઈ કરી નિત્યકર્મથી પરવારી સ્નાન કરવું
- ઘરમાં પવિત્ર જળ કે ગૌમૂત્ર છાંટવું
- એક થાળીમાં હળદર, કંકુ, ફૂલ, કાચો દોરો(સૂતર), પલાળેલા ચણા, નારિયેળ, પંચામૃત, ધૂપ, પાકી કેરી, વસ્ત્ર તરીકે એકાદ બ્લાઉઝપીસ કે રૂનાં વસ્ત્ર બનાવીને પણ મૂકી શકાય છે
- સૌ પ્રથમ વડમાં પાણી સીંચો, સામે એક પાન પર સોપારી મૂકી તેની ગણપતિ તરીકે પૂજા કરો
- વડની હળદર-કંકુ વગેરેથી પૂજા કરો
- એક બ્લાઉઝ પીસ સાથે એક સુહાગીનના સૌંદર્યની બધી સામગ્રી જેવી કે બિંદી, કાંસકો, બંગડી, અરીસો અને મંગલસૂત્રના કાળા મોતી મૂકો
- વડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું ધ્યાન ધરીને પતિદેવના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી