અમદાવાદ: શાળાને વિદ્યાનું મંદિર ગણવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ યોગ્ય વિદ્યા પ્રાપ્ત કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. હવે વિદ્યાના ધામમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. ગત રાત્રે અમદાવાદની વસ્ત્રાલ ખાતે આવેલ પબ્લિક સ્કૂલમાં કરવામાં આવેલ તોડફોડને વાલીઓ, શિક્ષકગણ, આચાર્ય, સ્થાનિકો અને કોર્પોરેટર દ્વારા વખોડી કાઢવામાં આવી છે.
વિદ્યાનું મંદિર ગણાતી શાળામાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. આ મુદ્દે શાળાના આચાર્ય દ્વારા જાણવા જોગ અરજી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી છે કે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં શાળાની અંદર સીસીટીવી કેમેરા તેમજ રાત્રિના સમય પણ સિક્યુરિટીની વ્યવસ્થા માટે સ્કૂલ બોર્ડમાં રજૂઆત કરવામાં આવશે...અનિરુદ્ધસિંહ ઝાલા(કોર્પોરેટર, વસ્ત્રાલ)
સિક્યુરિટી સઘન બનાવાશેઃ પબ્લિક સ્કૂલ ની અંદર સામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા જ સ્થાનિક કાઉન્સિલર તેમજ સ્કૂલ બોર્ડના સભ્ય શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. આ શાળામાં અસામાજિક તત્વો દ્વારા રાત્રીના સમયે નશો કરતો હોવાની પણ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ સ્કૂલ હાલમાં ટેમ્પરરી સ્કૂલ હોવાને કારણે સ્કૂલમાં સીસીટીવી કેમેરા નથી. સત્વરે સ્થાનિક કાઉન્સિલર તેમજ શાળાના આચાર્ય દ્વારા સ્કૂલ બોર્ડમાં સીસીટીવી કેમેરા તેમજ રાત્રે સિક્યુરિટીની વ્યવસ્થાની રજૂઆત કરાશે.
વાલીઓમાં ડરની લાગણીઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ શહેરની અનેક સ્કૂલોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ વસ્ત્રાલ પબ્લિક સ્કૂલમાં અસામાજિક તત્વો દ્વારા જે તોડફોડ કરવામાં આવી છે. જેને લઇને વિદ્યાર્થીની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શાળામાં આ પ્રકારની તોડફોડ તથા હવે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ડર અનુભવી રહ્યા છે.