અમદાવાદ : કોરોના વાઇરસના સંક્રમણને કારણે વિશ્વના મોટાભાગના દેશો લોકડાઉન હેઠળ છે. સામાજિક અંતર જાળવવા માટે સરકારોએ શાળાઓ, કોલેજો, શોપિંગ મોલ્સ અને ગીચ સ્થળો પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત ટ્રાફિક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
શાળાઓ-કોલેજો બંધ બાદ સૌથી વધુ ચિંતિત બાળકોનાં વાલીઓ છે. બાળકોએ ફ્રી સમય શું કરવું જોઈએ, તેમનો સમય કેવી રીતે પસાર કરવો. મિત્રો સાથે તેમની મુલાકાત પણ બંધ થઈ ગઈ છે. બહાર જઈને પણ મનોરંજન કરી શકતા નથી. આ કેટલાક મુશ્કેલ પ્રશ્નો છે જેનો માતાપિતા આ દિવસોમાં સામનો કરી રહ્યા છે. બાળકોને ઘરે સર્જનાત્મક બને અને તેમના ફ્રી ટાઇમમાં પોતાની મનપસંદ ગેમ્સ રમી શકે છે. ઘરે જ બાળકો પેઇન્ટિંગ, ડાન્સ જેવી એક્ટિવિટી કરે તે માટે શહેરમાં એક ઓનલાઇન ગ્રુપ બનાવીને આ બાળકોને મનોરંજન પૂરું પાડવા માટે તેમને એક અઠવાડિયા સુધી અલગ અલગ સ્પર્ધા કરાવવામાં આવી હતી. જેનું નામ આપવામાં આવ્યું હતું આયુષ કિડ્સ ચેલેન્જ.
આ સ્પર્ધા વોટ્સએપ દ્વારા બાળકો સુધી પહોંચાડવામાં આવી હતી. જેમાં એક ગ્રુપ બનાવામાં આવ્યું હતું. 5થી 14 વર્ષના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બાળકોને તેમની આવડત પ્રમાણે રેન્કિંગ આપવામાં આવ્યા હતા.
એક અઠવાડિયા સુધી ચાલેલી આ સ્પર્ધામાં ડાન્સ, હાઉસી, કુકિંગ, વેસ્ટમાંથી બેસ્ટ, માસ્ક બનાવવું, ઘરની એક્ટિવિટીમાં મદદ કરવું જેવી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળકોએ કરેલા કામને વિડિયો કે ફોટો દ્વારા મોકલવાના રહ્યા હતા.