અમદાવાદઃ સભ્ય સમાજમાં કોઈ પણ કાયદાની વિરૂદ્ધમાં કાર્ય કરાય તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને તેને જેલમાં મોકલવામાં આવે છે. જેલમાં કેદીને સુધારવાનો પણ પ્રયાસ કરાતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓના સુધારા માટે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જન્મથી ગુનેગાર નથી હોતો તેવો અભિગમ ધરાવી કેદીઓમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરાય છે. સાથે જ જેલમાંથી મુક્ત થઈ બંદીવાન સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે તેવા આશયથી અલગ અલગ પ્રયાસો કરાય છે.
આ પણ વાંચોઃ જેલમાં કેદીઓ કૃષ્ણને મળે છે, કેદી બંધુઓ ગૌશાળામાં ગાયોની કરે છે સેવાચાકરી
જેલમાંથી મુક્ત થયા પછી રોજગાર મળે તેવા પ્રયાસઃ સાબરમતી મધ્યસ્થ જેલમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બંદીવાનોની સમાજમાં પુનઃસ્થાપનની તેમ જ માનસ પરિવર્તન હેતુ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમ જ બંદીવાન જેલમાંથી મુક્ત થયા બાદ રોજગાર મળી રહે તે હેતુસર કેટલાક ઉદ્યોગો ચલાવવામાં આવે છે, જેમાં ડાયમંડ ઉદ્યોગ, અંધજન માટે બૂક રેકોર્ડિંગ, મહિલાઓ માટે સેનિટરી નેપકીન તથા સિલાઈ મશીનથી દરજીકામ જેવા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે.
સુધારાત્મક પ્રવૃત્તિઓઃ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા 1 વર્ષમાં કેટલીક સુધારાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેમાં સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે બંદીવાનો અભ્યાસને આગળ ધપાવવા માગે છે. તેમના માટે ધોરણ 10 તથા ધોરણ 12 તેમ જ તેનાથી વધુ અભ્યાસ માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ ઈગનો તરફથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે તેમજ સાબરમતી જેલમાં કાર્યરત બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા બંધીવાનો બીએસસી, બીકોમ અને પીએચડી સુધીની ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને પોતાની શૈક્ષણિક કારકિર્દીને ઝળહળતી બનાવી શકે છે. તો પોતાની 8 વર્ષની જેલયાત્રા દરમિયાન 31 ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને લિમકા બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાનો વિક્રમ પણ સાબરમતી જેલમાં મળ્યો છે.
કેદીઓ માટે વિવિધ કોર્સઃ આઈઆઈટીના માધ્યમથી વિવિધ પ્રકારના તાલીમ પૂરૂષોમાં ચલાવવામાં આવે છે, જેમાં કમ્પ્યુટર, ઈલેક્ટ્રિકલ્સ, બેઝિક વુડવર્ક, સ્પોકન ઈંગલિશ, સિલાઈ મશીન, પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અંતર્ગત ટિવી રિપેરીંગ, બેન્કિંગ, ટેક્નિશિયન બામ્બુમેટ વિયર પીકઅલ મેકિંગ આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશિયન જેવા તાલીમ કોર્સનો સમાવેશ થયો છે તેમજ હીરો મોટર કોર્પ તથા યુગનું તરફથી મોટરસાઈકલ રિપેરીંગનો કોર્સ પણ ચલાવવામાં આવે છે. વધુમાં જેલ પ્રશાસન દ્વારા વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરી વિવિધ પ્રકારના કાર્યક્રમમાં યોજવામાં આવે છે, જેના થકી કેદીઓ જેલમુક્ત થયા બાદ પણ સ્વરોજગાર મેળવી સમાજમાં પોતાનું પુનઃસ્થાપન સરળતાથી કરી શકે.
જેલમાં પત્રકારત્વના પાઠઃ સાબરમતી જેલમાં નવજીવન ટ્રસ્ટ થકી ડિપ્લોમા ઈન જર્નલિઝમ કોર્સ ચલાવવામાં આવે છે, જેના કારણે બંદીવાન જેલમુક્ત થયા બાદ પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધી શકે. તેના ઉદાહરણ તરીકે જેલમાંથી મુક્ત થયેલ બંદીવાન મિલન યોગેશભાઈ ઠક્કર હાલ નવજીવન ખાતે પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. નવજીવન ટ્રસ્ટે ગાંધી વિચાર સંસ્થા દ્વારા બંદીવાનોમાં ગાંધી વિચાર સંદર્ભે દર વર્ષે ગાંધી જયંતી નિમિત્તે ગાંધી વિચાર પરીક્ષાનું આયોજન કરે છે. આ પરીક્ષામાં ભાગ લેતા બંદીવાનોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર બંદીવાનોને નવજીવન ટ્રસ્ટ દ્વારા રોકડ રોકે ઈનામ આપવામાં આવે છે આ પરીક્ષા યોજવાનો મુખ્ય હેતુ બંદીબાનોને સાત્વિક વિચારો તરફ આગળ વધારવાનો છે.
મેડિકલ કોર્સઃ સદવિચાર પરિવાર સંસ્થા તરફથી જેલમાં મેડિકલ કોર્સ ચલાવવામાં આવે છે. તેના કારણે મેડિકલ એટેન્ડની તાલીમ પામેલા બંદીબાનો જેલમાંથી મુક્ત થયા બાદ સારી એવી રોજગારી મેળવી રહ્યા છે. તેના કારણે જેલ પાસે પણ અનેક ઉદાહરણો છે, જેમાં જેલમાંથી મુક્ત થયેલા બંદી જસવંત ઠાકોર મેડિકલ એટેન્ડન્ટનો કોર્સ કરીને હાલ તે ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે.
કળાને વિકસાવવા સ્પર્ધાઃ બંદીવાનોમાં રહેલી કળાને વિકસાવવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર દેશ લેવલે જેલોમાં તિનકા તિનકા ફાઉન્ડેશન ડોક્ટર વર્તિકા નંદા દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાઓમાં પણ અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાનોએ પોતાની પ્રતિભા ઉજાગર કરી પોતાનું અને પ્રશાસનનું ગૌરવ સ્થાપિત કર્યું છે. વર્ષ 2020-21 અને 22માં ત્રણ વર્ષ સુધી સતત દેશમાં પ્રથમ ક્રમાંક અમદાવાદની મધ્યસ્થ જેલના કેદીએ મેળવ્યો છે. હાલમાં જ વર્ષ 2022માં યોજાયેલા તિનકા તિનકા એવોર્ડ 2022માં જેલના પાકા બંદીવાન મહેન્દ્ર પ્રજાપતિએ પ્રથમ નંબર મેળવી પ્રશાસનને ગૌરવાંકીત કર્યા હતા.
કેદીઓ સારું જીવન જીવી શકે તેવો પ્રયાસઃ આ અંગે જેલ વિભાગના વડા ડૉ. કે.એલ એન રાવ એ જણાવ્યું હતું કે જેલમાં રહેલા કેદીઓ જેલમાંથી છૂટીને સભ્ય સમાજમાં સારી રીતે જીવન વિતાવી શકે તે માટે તેઓના અભ્યાસથી લઈને રોજગાર સુધીની તમામ કામગીરી માટેના પ્રયાસો જેલ વિભાગ દ્વારા કરવામાં આવે છે. અનેક કેદીઓ જેલમાંથી છૂટીને હાલ સારા એવા વ્યવસાય સાથે સંકળાયેલા પણ છે અને કેદીઓ માટે અવારનવાર અલગ અલગ કાર્યક્રમો જેલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.