અમદાવાદના: નવા વાડજ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય નીશા (નામ બદલેલ છે) પરિવાર સાથે ભાડાનાં મકાનમાં રહે છે, અગાઉ તે રામાપીરનાં ટેકરા વિસ્તારમાં રહેતી હતી. નીશાનાં પિતા મજૂરી કામ અને માતા ઘરકામ કરે છે અને તેઓ ચાર ભાઈ બહેન છે. એક વર્ષ પહેલા નીશાને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર અનિલ વાઘેલા નામની આઈડી પરથી રીક્વેસ્ટ આવી હતી. જે એકાઉન્ટમાં નીશાએ ફોટો જોતા અગાઉ તે રામાપીરના ટેકરા વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ રહેતો અનિલ હોવાથી ઓળખતી હોવાથી તેની સાથે વાતચીત શરૂ કરી હતી.
"આરોપી 30 વર્ષનો છે, અને ડ્રાઈવીંગનું કામ કરે છે. હાલ તેને ઝડપી વધુ તપાસ ચાલુ છે"-- સી.જી જોશી (વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ)
પ્રેમસંબંધ બંધાયો: નીશાએ અનિલ સાથે 3-4 મહિના સુધી ઈન્સ્ટાગ્રામ પર વાતો કરી હતી, જે બાદ અનિલે નીશાને ફોન કરતા બન્ને વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ શરૂ થઈ હતી અને બાદમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ નીશાને જાણવા મળ્યું હતું કે અનિલ વાઘેલાના લગ્ન થઈ ગયા છે. જે અંગે અનીલ સાથે વાત કરતા તેણે જણાવ્યા હતા કે તે પત્નિ સાથે છૂટાછેડા લેવાનો છે અને તેની સાથે લગ્ન કરવાનો છે. જે બાદ ઘણાં સમય સુધી અનિલ તેની પત્નિને છૂટાછેડા આપતો ન હોય નીશા સાથે ઠગાઈ કરતો હોય જેથી નીશાએ તેની સાથે પ્રેમસંબંધ રાખવાનો ઈન્કાર કર્યો હતો. તે છતાં પણ અનિલ નીશા જ્યાં પણ જાય તેનો પીછો કરતો અને સંબંધ રાખવા દબાણ કરતો હતો.