અમદાવાદ: શહેરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે કબુતર બાજી મામલે ભરત ઉર્ફે બોબી પટેલની અગાઉ ધરપકડ કરી હતી. સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ આરોપી ઝડપાયો હતો. આ ગુનામાં સામેલ વધુ એક એજન્ટની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આ એજન્ટ મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ સાથે મળીને ભારતથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે લોકોને મોકલવાના રેકેટમાં મહત્વની ભૂમિકા ભજવતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે.
કબુતરબાજી એટલે શું ? સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી સત્તાવાર માહિતી અનુસાર અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કબૂતરબાજીના ગુનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાલી રહી છે. આ ગુનામાં આર્થિક લાભ મેળવવા માટે આરોપી અમેરિકા જવા ઇચ્છતા વ્યક્તિનો સંપર્ક કરતા હતા. આવા વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે તેમજ ખોટા અને બનાવટી પાસપોર્ટ દ્વારા વિઝા મેળવી આપતા હતા. તે માટે ખોટા તેમજ બનાવટી દસ્તાવેજો બનાવી તે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ભારત દેશ તેમજ અન્ય દેશોની સરકાર સાથે છેતરપિંડી આચરતા હતા.
આરોપી એજન્ટ કોણ : અલગ અલગ દેશોના વિઝા મેળવી પેસેન્જરને ખોટી ઓળખ આપી ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાની કબૂતરબાજીની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. અગાઉ ભારત ઉર્ફે બોબી પટેલની સાથે સંકળાયેલા દિલ્હીના એજન્ટોની તપાસ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ દિલ્હી ખાતે મોકલવામાં આવી હતી. જેમાં નાસતા ફરતા આરોપી ગુરપ્રીતસિંઘ ઉર્ફે ગુરમીતસિંહ રાજેન્દ્રસિંહ ઓબરોયની દિલ્હીના તેના રહેઠાણથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ભરત ઉર્ફે બોબી પટેલ સાથે એજન્ટ તરીકેનું કામ સંભાળતો હતો. દિલ્હીમાં પશ્ચિમ બિહાર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આરોપીની ધરપકડ કરી હતી.
અમેરિકામાં એન્ટ્રી : ગેરકાયદેસર રીતે અમેરિકા જતા માણસોને યુરોપ દેશના વિઝા મેળવી આપવામાં આવતા હતા. ગ્રાહકને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી યુરોપના કોઈપણ દેશમાં સરળતાથી ઈમિગ્રેશન કરવામાં આવતું હતું. ત્યાંથી મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતા અને અમેરિકાના એજન્ટોને પૈસા ચૂકવવામાં આવતા હતા.
આરોપી રિમાન્ડ પર : ઉલ્લેખનિય છે કે, કબૂતરબાજીના કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જે પૈકી મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ વિરુદ્ધ ચાર્જશીટ પણ કરવામાં આવી છે. હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દિલ્હીથી ઝડપેલા એજન્ટના 6 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.