અમદાવાદ: કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈને UPSC દ્વારા કોરોનાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરાના અધ્યક્ષ સ્થાને સબ સેન્ટરના સુપરવાઇઝરોની મિટિંગ કલેક્ટર કચેરી અમદાવાદ ખાતે યોજાઈ હતી.
આ મિટિંગમાં યુપીએસસી દ્વારા કોરોનાને લઈને અપાયેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે અંગેનું માર્ગદર્શન અધિક કલેકટર દ્વારા સુપરવાઇઝરોને આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પરીક્ષાર્થીઓ દ્વારા પણ કોરોનાને લઈને આપેલી સૂચનાઓનું પાલન થાય તે જરૂરી છે. દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના એક કલાક પહેલા ખોલવામાં આવશે. જેથી દરેક પરીક્ષાર્થીઓએ પોતાના સેન્ટર પર વહેલા પહોંચવાનું રહેશે અને સીધા જ પરીક્ષાના રૂમ કે, હાલમાં તેઓની નિર્ધારિત જગ્યાએ બેસવાનું રહેશે.
પરીક્ષા કેન્દ્રનો મુખ્ય પ્રવેશદ્વાર પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ અગાઉ બંધ કરી દેવામાં આવશે. તમામ પરીક્ષાર્થીઓએ માસ્ક પહેરીને આવવું ફરજિયાત છે. સંદેશાવ્યવહારનો ઉપયોગ થઇ શકે તેવા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ડિવાઇસ જેમ કે, મોબાઈલ ફોન, લેપટોપ ઉપરાંત લાઇટર, માચીસ વગેરે સાથે પ્રવેશ અપાશે નહીં. આ ઉપરાંત કોઈપણ મૂલ્યવાન ચીજવસ્તુઓ રાખી શકાશે નહીં. આવી વસ્તુઓ ગુમ થાય કે, ચોરાઇ જાય કે, ખોવાઇ જાય તો તેની જવાબદારી યુપીએસસીની રહેશે નહીં.
આ ઉપરાંત આ પરીક્ષાને લઇને કોલ લેટરમાં દર્શાવેલ સુચનાઓનું પણ પાલન કરવાનું રહેશે. જરૂર જણાય તો યુપીએસસી માટેના કંટ્રોલરૂમ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. UPSC કંટ્રોલ રૂમ નંબર: 079-27561970-77 છે.